રોમાંચક મેચમાં બેંગ્લુરુએ હૈદરાબાદને 14 રને હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત
આઈપીએલની 11 મી સીઝનની 51મી મેચ આજે અહીંના કે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ.
બેંગ્લુરુ: આઈપીએલની 11 મી સીઝનની 51મી મેચ આજે અહીંના કે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ. બેંગ્લુરુએ નિર્ધારિત 20 ઓવરોમાં 6 વિકેટ ગુમાવીને 218 રનનો લક્ષ્યાંક હૈદરાબાદ સામે મૂક્યો હતો. જેમાં એબીડિ વિલિયર્સના 39 બોલમાં 69 રન, મોઈન અલીના 34 બોલમાં 65 રન અને કોલિન ડિ ગ્રેન્ડહોમના 17 બોલમાં 40 રન મુખ્ય હતાં. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ નિર્ધારિત 20 ઓવરોમાં 3 વિકેટ ગુમાવીને માત્ર 204 રન જ કરી શકી. આમ બેંગ્લુરુએ હૈદરાબાદને 14 રનથી હરાવી દીધું. મેચમાં થંપી આઈપીએલમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો. બેંગ્લુરુના થંપીએ 4 ઓવરમાં 70 રન આપ્યાં. અગાઉ આ રેકોર્ડ ઈશાંત શર્માના નામે હતો જેણે 2013માં 4 ઓવરમાં 66 રન આપ્યા હતાં. ટુર્નામેન્ટમાં રહેવા માટે બેંગ્લુરુ માટે આજની મેચ જીતવી જરૂરી હતી.
હૈદરાબાદ નિર્ધારિત ઓવરોમાં 204 રન જ કરી શક્યું
બેંગ્લુરુએ આપેલા 219 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલા હૈદરાબાદના ઓપનરો શિખર ધવન 18 રન અને એલેક્સ હેલ્સ 37 રન કરીને આઉટ થયા હતાં. ત્યારબાદ કેન વિલિયમસન અને મનીષ પાંડેએ બાજી સંભાળી. કેન વિલિયમસનને 42 બોલમાં 5 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 81 રન કર્યાં. પરંતુ તેના આઉટ થતા જીતની આશા ધૂંધળી બની ગઈ. મનીષ પાંડે 38 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 62 રન કર્યાં અને છેક સુધી નોટઆઉટ રહ્યો. દીપક હુડા એક રન સાથે નોટ આઉટ રહ્યો. આમ નિર્ધારિત ઓવરોમાં હૈદરાબાદની ટીમ માત્ર 204 રન બનાવી શકી અને બેંગ્લુરુની ટીમ 14 રનથી જીતી ગઈ.
બેંગ્લુરુ તરફથી યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ અને મોઈન અલીને એક એક વિકેટ મળી હતી. તમામ બોલરોની ટાઈટ બોલિંગ હતી. જો કે ગ્રેંડહોમે 2 ઓવરોમાં 34 રન આપી દીધા હતાં.
ટોસ હારીને બેંગ્લુરુએ પહેલા કરી બેટિંગ
ઘર આંગણે રમાયેલી આ મેચમાં બેંગ્લુરુ ટોસ હારી હતી. હૈદરાબાદે ટોસ જીતીને બેંગ્લુરુને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરતા બેંગ્લુરુએ 6 વિકેટે 218 રન કર્યાં. ઓપનર પાર્થિવ પટેલ માત્ર એક જ રન કરીને આઉટ થઈ ગયો. ત્યારબાદ વિરાટ કોહલી પણ કઈ બહુ રન બનાવી શક્યો નહીં. 12 રન પર આઉટ થયા બાદ વિલિયર્સ અને મોઈન અલીએ બાજી સંભાળી. એબી ડી વિલિયર્સે 39 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 69 રન કર્યાં. જ્યારે મોઈન અલીએ 34 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 65 રન કર્યાં. કોલિન ગ્રેંન્ડહોમે પણ 17 બોલમાં 4 છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 40 રન કર્યાં હતાં. મનદીપ સિંહ 4 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ સરફરાઝ ખાન 22 રન અને ટિમ સાઉથી 1 રન સાથે અણનમ રહ્યાં હતાં. આમ બેંગ્લુરુએ હૈદરાબાદને 219 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
હૈદરાબાદ તરફથી રાશિદ ખાને 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે સિદ્ધાર્થ કોલે 2 વિકેટ, સંદીપ શર્માએ એક વિકેટ લીધી હતી. બાસિલ થંપી સૌથી વધુ રન આપનાર બોલર બન્યો હતો. તેણે 4 ઓવરમાં 70 રન આપ્યા હતાં અને કોઈ વિકેટ લીધી નહતી.