બેંગલુરૂઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ સતત બીજી વખત ગુજરાત ટાઈટન્સને પરાજય આપ્યો છે. આરસીબીએ આજે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સને 4 વિકેટે હરાવ્યું છે. આ હાર સાથે ગુજરાતની પ્લેઓફની આશાને પણ મોટો ઝટકો લાગ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સની ટીમ 19.3 ઓવરમાં 147 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં આરસીબીએ 13.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી મેચ જીતી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાવરપ્લેમાં આરસીબીનો ધમાકો
ગુજરાતે આપેલા 148 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ પ્રથમ ઓવરથી આક્રમક બેટિંગ કરી હતી. ખાસ કરીને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ગુજરાતના બોલરો પર હુમલો કરતા માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. ફાફ ડુ પ્લેસિસ 23 બોલમાં 10 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 64 રન બનાવી આઉટ થયો હતો. આરસીબીએ પાવરપ્લેમાં 92 રન ફટકાર્યા હતા. 


ગુજરાતના બોલરોની વાપસી
એક સમયે લાગી રહ્યું હતું કે આરસીબી જલ્દી મેચ સમાપ્ત કરી દેશે. પરંતુ ગુજરાતના બોલરોએ પાવરપ્લે બાદ શાનદાર વાપસી કરી હતી. વિલ જેક્સ 1 રન બનાવી આઉટ થયો હતો. રજન પાટીદાર 2, મેક્સવેલ 4 અને કેમરૂન ગ્રીન 1 રન બનાવી જોશુઆ લિટિલનો શિકાર બન્યા હતા. જોશુઆ લિટિલે 4 બેટરોને આઉટ કર્યાં હતા. કોહલી પણ 42 રન બનાવી નૂર અહમદનો શિકાર બન્યો હતો. આરસીબીને 117 રન પર છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. 


દિનેશ કાર્તિક અને સ્વપ્નિલ સિંહે અપાવી જીત
ગુજરાતના બોલરોએ જરૂર વાપસી કરાવી હતી, પરંતુ આરસીબીએ 14મી ઓવરમાં જીત મેળવી લીધી હતી. દિનેશ કાર્તિક 12 બોલમાં 3 ચોગ્ગા સાથે 21 અને સ્વપ્નિલ સિંહ 9 બોલમાં 15 રન બનાવી આરસીબીને જીત અપાવી હતી. ગુજરાત તરફથી જોશુઆ લિટિલે 4 અને નૂર અહમદે 2 વિકેટ લીધી હતી.


ગુજરાત ટાઈટન્સની ખરાબ શરૂઆત
આરસીબી સામે ટોસ હારી બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરૂઆત ખરાબ રહી હતી. રિદ્ધિમાન સાહા 1 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સિરાજે શુભમન ગિલ (2) ને પણ પેવેલિયન પરત મોકલી આવ્યો હતો. સાઈ સુદર્શન માત્ર 6 રન બનાવી આઉટ થયો હતો. ગુજરાત ટાઈટન્સે પાવરપ્લેમાં ખુબ ધીમી બેટિંગ કરતા 3 વિકેટે માત્ર 23 રન બનાવ્યા હતા. 


રાહુલ શાહરૂખ ખાન અને મિલર વચ્ચે અડધી સદીની ભાગીદારી
ગુજરાત તરફથી માત્ર ત્રણ બેટરો 30થી વધુ રન બનાવવામાં સફળ રહ્યાં હતા. ડેવિડ મિલર અને શાહરૂખ ખાને ચોથી વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી. ડેવિડ મિલર 20 બોલમાં 3 ચોગ્ગા અને બે સિક્સ સાથે 30 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે શાહરૂખ ખાન 24 બોલમાં પાંચ ફોર અને એક સિસ્ક સાથે 37 રન બનાવી રનઆઉટ થયો હતો. 


આ સિવાય રાહુલ તેવતિયાએ 21 બોલમાં 5 ફોર અને 1 સિક્સ સાથે 35 રનનું યોગદાન આપ્યું હતું. રાશિદ ખાને 18 તો વિજય શંકરે 10 રન બનાવ્યા હતા. માનવ સુથાર 1 રન બનાવી આઉટ થયો હતો. આરસીબી તરફથી મોહમ્મદ સિરાજ, યશ દયાલ અને વિજયકુમારે બે-બે વિકેટ લીધી હતી. આ સિવાય કર્ણ શર્મા અને કેમરૂન ગ્રીનને એક-એક વિકેટ મળી હતી.