કોલકત્તાઃ રજત પાટીદાર (112*) ની શાનદાર અણનમ સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-2022ની એલિમિનેટરમાં લખનઉ સુપર જાયન્ટ્સને 14 રને પરાજય આપી ક્વોલિફાયર-2માં એન્ટ્રી કરી લીધી છે. આ સાથે લખનઉ સુપર જાયન્ટ્સના અભિયાનનો અંત આવી ગયો છે. હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટક્કર 27 મેએ અમદાવાદમાં રાજસ્થાન રોયલ્સ સામે થશે. તેમાં જે ટીમ જીતશે તે 29 મેએ ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં 4 વિકેટે 207 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનઉ 20 ઓવરમાં 6 વિકેટે 193 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાવરપ્લેમાં લખનઉએ ગુમાવી બે વિકેટ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનઉને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. ડિ કોક માત્ર 6 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મનન વોહરા 11 બોલમાં બે સિક્સ અને એક ફોર સાથે 19 રન બનાવી હેઝલવુડની ઓવરમાં આઉટ થયો હતો. લખનઉએ પ્રથમ 6 ઓવરમાં 2 વિકેટે 62 રન બનાવ્યા હતા. 


રાહુલ-દીપક હુડ્ડા વચ્ચે 96 રનની ભાગીદારી
41 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ કેએલ રાહુલનો સાથ આપવા માટે દીપક હુડ્ડા ક્રીઝ પર આવ્યો હતો. બંનેએ આરસીબીના બોલરોનો દમદાર સામનો કર્યો અને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન રાહુલે પોતાની અડધી સદી પૂરી કરી હતી. દીપક હુડ્ડા 26 બોલમાં ચાર છગ્ગા અને 1 ચોગ્ગા સાથે 45 રન બનાવી હસરંગાનો શિકાર બન્યો હતો. 


માર્કસ સ્ટોયનિસ 9 રન બનાવી હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. કેપ્ટન કેએલ રાહુલ 58 બોલમાં 5 સિક્સ અને 3 ફોર સાથે 79 રન બનાવી આઉટ થયો હતો. આ સફળતા જોશ હેઝલવુડને મળી હતી. કૃણાલ પંડ્યા ખાતુ ખોલાવ્યા વગર હેઝલવુડની ઓવરમાં આઉટ થયો હતો. 


યુવા બેટર રજત પાટીદારની યાદગાર ઈનિંગ
આરસીબીના બેટર રજત પાટીદારે એલિમિનેટરમાં કમાલ કર્યો હતો. લખનઉ સામે પાટીદારે સદી ફટકારી અને આરસીબીનો સ્કોર 200ને પાર પહોંચાડી દીધો હતો. રજત પાટીદારે 112 રન બનાવી અણનમ રહ્યો હતો. 54 બોલની ઈનિંગમાં રજતે 12 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 207.40ની રહી હતી. આ સિવાય આઈપીએલ પ્લેઓફમાં સદી ફટકારનાર રજત પાટીદાર પ્રથમ અનકેપ્ડ પ્લેયર બની ગયો છે. 


પ્લેઓફમાં સદી ફટકારનાર ખેલાડી
વીરેન્દ્ર સેહવાગ- 122 રન વિરુદ્ધ ચેન્નઈ (2014)
શેન વોટસન- 117* વિરુદ્ધ હૈદરાબાદ (2018) 
રિદ્ધિમાન સાહા- 115* વિરુદ્ધ કોલકત્તા (2014)
મુરલી વિજય- 113 વિરુદ્ધ દિલ્હી (2012)
રજત પાટીદાર- 112* વિરુદ્ધ લખનઉ (2022)


ડુ પ્લેસિસ, મેક્સવેલ ફેલ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન ફાફ ખાતુ ખોલાવ્યા વગર મોહસિન ખાનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ કોહલી અને પાટીદારે બીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતી. વિરાટ કોહલી 24 બોલમાં 2 ફોર સાથે 25 રન બનાવી આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલ 10 બોલમાં 9 રન બનાવી કૃણાલનો શિકાર બન્યો હતો. તો મહિપાલ લોમરોરે 14 રનનું યોગદાન આપ્યુ હતું. 


અંતિમ સાત ઓવરમાં આરસીબીએ 92 રન બનાવ્યા
આરસીબીએ 13.1 ઓવરમાં 115 રન પર પોતાની ચોથી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ પાટીદાર અને દિનેશ કાર્તિકે અંતિમ સાત ઓવરમાં 92 રન ફટકારી દીધા હતા. દિનેશ કાર્તિક 23 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 37 રન બનાવી અણનમ રહ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube