RCB vs SRH: હૈદરાબાદના બેટરોએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ફટકાર્યો આઈપીએલ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર
IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદે ચિન્નાસ્વામીમાં આરસીબીના બોલરોની જોરદાર ધોલાઈ કરી છે. હૈદરાબાદે પોતાનો પાછલો રેકોર્ડ તોડી આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ફટકાર્યો છે.
બેંગલુરૂઃ સનરાઇઝર્સ હૈદરાબાદે આજે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના છોતરા કાઢી નાખ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ફરી આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ફટકારી દીધો છે. આરસીબી સામે પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 287 રન ફટકારી દીધા છે. આ પહેલા સનરાઇઝર્સે આશરે 10 દિવસ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રન ફટકાર્યા હતા. હવે તેણે પોતાનો રેકોર્ડ તોડી દીધો છે.
ટ્રેવિસ હેડની 39મી બોલમાં સદી
સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ ઓવરથી આક્રમક બેટિંગ કરી હતી. ટ્રેવિસ હેડે માત્ર 39 બોલમાં સદી ફટકારી હતી. ટ્રેવિસ હેડે પાવરપ્લેમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. હેડ 41 બોલમાં 9 ચોગ્ગા અને 8 સિક્સ સાથે 102 રન બનાવી આઉટ થયો હતો.
ક્લાસેનની અડધી સદી
હેનરિક ક્લાસેને પણ આક્રમક બેટિંગ કરી હતી. ક્લાસેને 31 બોલમાં 7 સિક્સ અને 2 ચોગ્ગા સાથે 67 રન ફટકાર્યા હતા. આ સિવાય એડન માર્કરમ 17 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 32 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે અબ્દુલ સમદે 10 બોલમાં 4 ફોર અને ત્રણ સિક્સ સાથે 37 રન ફટકારી દીધા હતા.
ફટકારી 22 સિક્સ
સનરાઇઝર્સ હૈદરાબાદે ઈનિંગમાં કુલ 22 સિક્સ ફટકારી હતી. તેણે એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ પણ બનાવી લીધો છે. આ રેકોર્ડ આરસીબીના નામે હતો. આરસીબીએ 2013માં એક ઈનિંગમાં 21 સિક્સ ફટકારી હતી.
આઈપીએલમાં સર્વોચ્ચ સ્કોર
287/3 SRH vs RCB બેંગલુરૂ 2024
277/3 SRH vs MI હૈદરાબાદ 2024
272/7 KKR vs DC વિઝાગ 2024
263/5 RCB vs PWI બેંગલુરૂ 2013
257/7 LSG vs PK મોહાલી 2023