Ranji Trophy: ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના અંતિમ મેચમાં સદી ચુક્યો સૌરાષ્ટ્રનો કેપ્ટન જયદેવ શાહ
જયદેવ શાહની મદદાર 97 રનની ઈનિંગની મદદથી સૌરાષ્ટ્રએ કર્ણાટક સામે પ્રથમ દિવસના અંતે 9 વિકેટ ગુમાવી 288 રન કર્યા હતા.
રાજકોટઃ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતીની જાહેરાત કરી ચુકેલ જયદેવ શાહ અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચમાં ત્રણ રનથી સદી ચુકી ગયો હતો. જયદેવે કર્ણાટક વિરુદ્ધ 97 રનની ઈનિંગ રમી જેની મદદથી સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીની ગ્રુપ એ મેચમાં ખરાબ શરૂઆત બાદ પ્રથમ દિવસના અંતે 9 વિકેટે 288 રન બનાવવામાં સફળ રહ્યું હતું.
સૌરાષ્ટ્રએ એક સમયે 119 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ શાહે નવ ફોર અને ત્રણ સિક્સની મદદથી 159 બોલમાં 97 રન ફટકારીને ઈનિંગને સંભાળી હતી. તેણે પ્રેરક માંકડ (37)ની સાથે છઠ્ઠી વિકેટ માટે 73 રન જોડ્યા હતા.
આ મેચ બાદ નિવૃતીની જાહેરાત કરી ચુકેલ શાહ સારા ફોર્મમાં છે. તેણે સતત ત્રીજી ઈનિંગમાં 50 કરતા વધુ રન બનાવ્યા છે. શાહે બરોડા વિરુદ્ધ ગત મેચમાં 165 રન ફટકાર્યા હતા.
સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ શાહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ
દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે કમલેશ મકવાણા 31 અને યુવરાજ ચુડાસમા નવ રન બનાવીને ક્રિઝ પર હતા.
કર્ણાટક તરફથી જગદીશ સુચિતે 104 રન આપીને પાંચ તથા ઓફ સ્પિનર પવન દેશપાંડેએ 78 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.