નવી દિલ્હીઃ ભારતીય ખેલાડીઓ વિશ્વકપ પહેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમવાથી તેના પર પડી રહેલો કામનો ભાર ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ કેપ્ટન વિરાટ કોહલીએ આ નિર્ણય પોતાના સાથીઓ પર છોડી દીધો છે કે તેણે ટી20 ટૂર્નામેન્ટમાં કેટલા મેચ રમવા છે અને કેટલા નહીં. આઈપીએલ 23 માર્ચથી શરૂ થશે અને તેના સમાપનના તરત બાદ ભારતીય ટીમે ઈંગ્લેન્ડ રવાના થવાનું છે જ્યાં 30 મેથી વિશ્વકપ રમાશે. પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદ પહેલા જ કહી ચુક્યા છે કે ખેલાડીઓ પર પડી રહેલા કામના ભારને લઈને ફ્રેન્ચાઇઝી સાથે વાત કરવામાં આવી છે, પરંતુ કોહલીએ કહ્યું કે, પોતાના કાર્યભારને વ્યવસ્થિત કરવો ખેલાડીઓનું કામ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ કહ્યું, અમે ખેલાડીઓની પોતાની બુદ્ધિથી કામ લેવા અને ફ્રેન્ચાઈઝી મેનેજમેન્ટને જાણ કરવાની જવાબદારી આપી છે. તે અમારા ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટના સંપર્કમાં રહેશે. વિશ્વકપ માટે તમામ વસ્તુ પર ધ્યાન રાખવામાં આવશે અને તેમાં કાર્યભાર પણ સામેલ છે. 


તેણે કહ્યું, અમે કોઈ એવો સમય જણાવશું જ્યાં ખેલાડી આરામ કરી શકે છે. તે નિશ્ચિત રૂપે આ તકનો ફાયદો ઉઠાવશે. વિશ્વકપ ચાર વર્ષમાં એકવાર આવે છે અને આઈપીએલ દર વર્ષે પરંતુ તેનો મતલબ તે નથી કે અમે ટૂર્નામેન્ટમાં રમવાને લઈને પ્રતિબદ્ધ નથી. અમારે સાચા નિર્ણયો કરવા પડશે. તેની જવાબદારી ખેલાડી પર હશે. કોઈને પણ કોઈ નિર્ણય લેવા માટે મજબૂર કરવામાં આવશે નહીં. 


કોહલીએ આ સાથે કહ્યું કે, ભારતીય ટીમ માટે આ સત્ર ઘણું વ્યસ્ત કર્યું પરંતુ ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે અને ખેલાડી આઈપીએલની મજા લેવાના હકદાર છે. તેણે કહ્યું, લાંબા સમય સુધી રમતા રહેવાથી અસર પડે છે. હું તેને બહાનું બનાવતો નથી કારણ કે એક ટીમના રૂપમાં તમે જે મેચ રમો છો તેમાં તમારી પાસે જીતની આશા કરવામાં આવે છે. જ્યારે લાંબી સિઝન હોય છે ત્યારે તમે તેના પર વિચાર કરો છો. આ ખણું વ્યસ્ત સત્ર રહ્યું છે. 


ભારતીય કેપ્ટને કહ્યું, અમે જે પ્રકારનું પ્રદર્શન કર્યું તેનાથી અમે ખુશ છીએ. જે રીતે ખેલાડીઓએ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું તેના પર અમને ખુશી છે. અમે જે આત્મવિશ્વાસ સાથે આગળ વધ્યું, તે સારૂ રહ્યું. આ રીતે અમે આઈપીએલનો આનંદ મેળવવાના હકદાર છીએ.