રિષભ પંત 23 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર બેટ્સમેન, તોડ્યો ટીમ સાઉથીનો રેકોર્ડ
ભારતના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે 23 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં સિક્સરનો રેકોર્ડ બનાવી દીધો છે. તેણે ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટની પહેલી ઈનિંગ્સમાં 3 સિક્સ ફટકારીને ટીમ સાઉથીને પાછળ છોડી દીધો અને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો.
1. રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
2. 23 વર્ષની ઉંમરે પંતે ટીમ સાઉથીને પાછળ છોડ્યો
3. ઓસ્ટ્રેલિયા બાદ ઈંગ્લેન્ડ સામે પણ પંતનું બેટ બોલ્યું
ચેન્નઈ: ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં હાલમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની સામે તેના જ ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં મોટી ઈનિંગ્સ રમનાર રિષભ પંત ઈંગ્લેન્ડ સામે પોતાની ધરતી પર પણ સારી બેટિંગ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગ્સમાં તેણે 7 ફોર અને 3 સિક્સની મદદથી 77 બોલમાં 58 રનની ઈનિંગ્સ રમી. રિષભ શાનદાર લયમાં હતો અને આ ઈનિંગ્સમાં ફટકારેલી ત્રણ સિક્સની મદદથી તેણે ટેસ્ટ ક્રિકેટમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
23 વર્ષની ઉંમરમાં પંતના નામે સૌથી વધુ સિક્સ:
રિષભ પંત આ સમયે 23 વર્ષનો છે. આ ઉંમરમાં તેની પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ ફટકારવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના ટીમ સાઉથીના નામે હતો. ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગ્સમાં 3 સિક્સ ફટકારતાંની સાથે જ તેણે સાઉથીને પાછળ મૂકીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. 23 વર્ષની ઉંમરમાં રિષભ પંતે પોતાની 31મી સિક્સ ફટકારી. આ ઉંમરે 30 સિક્સ ફટકારવાના સાઉથીના રેકોર્ડને તોડ્યો. આ પહેલાં ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે ટેસ્ટ ક્રિકેટમાં 29 સિક્સ ફટકારી હતી.
આ પણ વાંચોઃ IND vs ENG: અશ્વિને પાંચ વિકેટ લીધા બાદ ફટકારી સદી, બનાવ્યા અનેક રેકોર્ડ
23 વર્ષની ઉંમરમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર ટેસ્ટ બેટ્સમેન:
રિષભ પંત - 31 સિક્સ
ટીમ સાઉથી - 30 સિક્સ
કપિલ દેવ - 29 સિક્સ
ક્રેગ મેકમિલન - 28 સિક્સ
શિમરોન હેટમાયર - 27 સિક્સ
ટેસ્ટ ક્રિકેટની 30 ઈનિંગ્સમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન:
રિષભ પંતે અત્યાર સુધી 18 ટેસ્ટ મેચની 30 ઈનિંગ્સમાં 1248 રન બનાવ્યા છે. અને ટેસ્ટ ક્રિકેટની પહેલી 30 ઈનિંગ્સમાં સૌથી વધારે રન બનવાનાર બેટ્સમેનમાં તે ત્રીજા નંબરે આવી ગયો છે. આ આંકડો તે બેટ્સમેનનો છે જેમણે ટેસ્ટમાં પાંચમા કે પછી તેના નીચેના ક્રમે બેટિંગ કરી હોય.
આ પણ વાંચોઃ સુરેશ રૈના બન્યો અમદાવાદનો મહેમાન, MS Dhoni ક્રિકેટ એકેડમીનું કર્યું ઉદ્ઘાટન
ટેસ્ટ ક્રિકેટની પહેલી 30 ઈનિંગ્સમાં સૌથી વધારે રન:
એડમ ગિલિક્રિસ્ટ - 1278 રન
ડ્યૂઝોન - 1267 રન
રિષભ પંત - 1248 રન
ટોમ વોલ્ટર્સ - 1247 રન
એલ આમેસ - 1228 રન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube