IPL 2019: રિયાન પરાગ બન્યો આઈપીએલમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર
રિયાન પરાગ આઈપીએલમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે. તેણે સંજૂ સૈમસન અને પૃથ્વી શોનો રેકોર્ડ તો઼ડ્યો છે.
નવી દિલ્હીઃ આઈપીએલની 53મી મેચ. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ. રાજસ્થાને ટોસ જીત્યો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો જે ખોટો સાબિત થયો હતો. ટીમે એક સમયે 13.2 ઓવરમાં 65 રન પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે લાગી રહ્યું હતું કે, ટીમને 100 રન કરવામાં મુશ્કેલી પડશે. પરંતુ યુવા બેટ્સમેન રિયાન પરાગે ઈનિંગ સંભાળી અને ટીમનો સ્કોર 20 ઓવરમાં 115 સુધી પહોંચાડી દીધો હતો. રિયાન પરાગે ધીમી શરૂઆત કરી પરંતુ અંતિમ ઓવરોમાં આક્રમક શોટ ફટકાર્યા હતા. રિયાને પોતાની ઈનિંગમાં 49 બોલનો સામનો કર્યો અને 50 રન બનાવી આઉટ થયો હતો. આ ઈનિંગમાં રિયાને 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
રિયાન પરાગે 17 વર્ષ 175 દિવસની ઉંમરમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી છે. તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધી 7 મેચ રમી છે અને 160 રન બનાવ્યા છે. આ પહેલા તેણે 43 અને 47 રનની ઈનિંગ પણ રમી હતી.
આ પહેલા નાની ઉંમરે અડધી સદીનો રેકોર્ડ સંજૂ સૈમસનના નામે હતો જેણે 18 વર્ષ 169 દિવસમાં પોતાની પ્રથમ આઈપીએલ અડધ સદી ફટકારી હતી.
આઈપીએલમાં નાની ઉંમરમાં અડધી સદી ફટકારનાર બેટ્સમેન
17 વર્ષ 175 દિવસ - રિયાન પરાગ (2019)
18 વર્ષ 169 દિવસ - સંજૂ સૈમસન (2013)
18 વર્ષ 169 દિવસ - પૃથ્વી શો (2018)
18 વર્ષ 212 દિવસ- રિષભ પંત (2016)
18 વર્ષ 237 દિવસ- શુભમન ગિલ (2018)
કોણ છે રિયાન?
સ્ટીવ સ્મિથને પોતાનો ફેવરિટ ક્રિકેટર ગણાવનાર રિયાન પરાગ આસામથી આવ છે. હજુ તેની ઉંમર 17 વર્ષ છે અને આ વર્ષે રાજસ્થાન રોયલ્સે તેને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. રિયાન આસામની રણજી ટીમ માટે 2017-18માં પર્દાપણ કરી ચુક્યો છે અને 2018માં ઈન્ડિયા અન્ડર-19 માટે પણ રમી ચુક્યો છે. પૃથ્વી શોની આગેવાની વાળી જે ટીમ વિશ્વ કપ જીતીને આવી હતી તેમાં રિયાન પણ હતો.