દુબઈઃ સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરે દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ જીતીને વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. તેણે શનિવારે રમાયેલી ફાઇનલમાં યૂનાનના સ્ટીફેનોસ સિટસિપાસને હરાવીને આ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ટેનિસ ઈતિહાસમાં સૌથી મહાન ખેલાડીનું બિરુદ હાસિલ કરી ચુકેલા રોજર ફેડરરે આ સાથે પોતાના સિંગલ્સ ટાઇટલોની સંખ્યા 100 પર પહોંચાડી દીધી છે. તે ટેનિસ ઈતિહાસમાં માત્ર બીજો ખેલાડી છે, જેણે સિંગલ્સ ટાઇટલોની સદી ફટકારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ નંબર-7 રોજર ફેડરરે ફાઇનલ મેચમાં સ્ટીફેનોસ સિટસિપાસને આસાનીથી હરાવી દીધો હતો. ફેડરરે તેને 6-4, 6-4થી પરાજય આપ્યો હતો. 37 વર્ષના રોજર ફેડરરને આ મેચ જીતવામાં માત્ર 69 મિનિટ લાગી હતી. સિટસિપાસે આ વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના ચોથા રાઉન્ડમાં ફેડરરને પરાજય આપ્યો હતો. પરંતુ આ વખતે ફેડરરે તેને કોઈ તક ન આપતા હરાવ્યો હતો. 


સ્વિસ કિંગના નામથી લોકપ્રિય ફેડરરનું આ 100મું સિંગલ્સ અને કુલ મળીને 108મું એટીપી ટાઇટલ છે. પૂર્વ નંબર-1 ખેલાડીએ આઠ ડબલ્સના ટાઇટલ પણ જીત્યા છે. ફેડરર 2008માં રમાયેલા ઓલમ્પિકમાં ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચુક્યો છે. તેના નામે સૌથી વધુ 20 ગ્રાન્ડસ્લેમ જીતવાનો વિશ્વ રેકોર્ડ પણ છે. 



રોજર ફેડરર સિવાય માત્ર અમેરિકાના જિમી કોનર્સ જ એવા ખેલાડી છે, જેણે 100થી વધુ સિંગલ્સ ટાઇટલ જીત્યા છે. 1972થી 1976 વચ્ચે રમનારા જિમી કોનર્સે 109 સિંગલ્સ ટાઇટલ જીત્યા છે. ઇવાન લેંડલ સૌથી વધુ ટાઇટલ જીતવાના મામલામાં ત્રીજા સ્થાને છે. તેણે 94 ટાઇટલ જીત્યા છે. સ્પેનનો રાફેલ નડાલ (80) ચોથા, જોન મૈકેનરો (77) પાંચમાં, રોડ લેવર (74) છઠ્ઠા સ્થાને છે. નોવાક જોકોવિચ (73) સિંગલ્સ ટાઇટલ સાથે સાતમાં સ્થાને છે. તે જે પ્રકારના ફોર્મમાં છે, તેનાથી લાગે છે કે તે આ વર્ષે ટોપ-5માં સ્થાન બનાવી શકે છે.