લંડનઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન સ્વિટ્ઝર્લૅન્ડના રોજર ફેડરર સોમવારથી શરૂ થતા વર્ષના ત્રીજા ગ્રાન્ડસ્લેમ વિમ્બલ્ડનના પોતાના પ્રથમ મેચમાં ડુસાન લાજોવિચ વિરુદ્ધ કોર્ટ પર ઉતરશે. ફેડરરનો પ્રયત્ન રેકોર્ડ નવમી વખત ટાઇટલ જીતવાનો હશે. 36 વર્ષીય ફેડરરને વર્લ્ડ નંબર-1 હોવાછતાં ટૂર્નામેન્ટમાં પ્રથમ રેન્કિંગ આપવામાં આવ્યું છે. વર્લ્ડ નંબર-1 રાફેલ નડાલ પોતાના પ્રથમ મેચમાં ઈઝરાયલના ડૂડી સેલા સામે ટકરાશે. બે વખત વિમ્બલ્ડનનું ટાઇટલ જીતનાર નડાલ 2011 બાદથી આ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો નથી. મહિલા વર્ગમાં હાલની ચેમ્પિયન સ્પેનની ગર્બાઇન મુગુરૂજાનો સામનો પ્રથમ રાઉન્ડમાં ગ્રેટ બ્રિટનની નાઓમી બ્રોઅડી સામે થશે. મુગુરૂજાને વર્લ્ડ નંબર-1 રોમાનિયાની સિમોના હાલેર, રૂસની મારિયા શારાપોતા અને આઠમાં સ્થાને રહેલી ચેક રિપબ્લિકની પેટ્રો ક્વિતોવાની સાથે એક ગ્રુપમાં રાખવામાં આવી છે. 


સેરેના દાવેદારઃ એવર્ટ
મહાન ટેનિસ ખેલાડી ક્રિસ એવર્ટનું કહેવું છે કે સેરેના વિલિયમ્સ વિમ્બલ્ડનમાં ટાઇટલની મુખ્ય દાવેદાર હશે. તેમણે કહ્યું, સેરેના ગ્રાસ કોર્ટ પર શાનદાર રમે છે. તેની ગેમ તે રીતે મજબૂત છે કે, જેનાથી તેના શોટ શક્તિશાળી હોઈ છે. ક્લે કોર્ટની તુલનામાં તેની માટે ગ્રાસ કોર્ટ સરળ રહેશે. સેરેના ફ્રેન્ચ ઓપનની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં રિટાયર થઈ ગઈ હતી. એવર્ટે આગળ કહ્યું, તેણે માતૃત્વનો આનંદ માણ્યો અને હવે તે રમવા માટે કોર્ટ પર આવી ગઈ છે. તમે તેને નબળી ન આંકી શકો. જો તે સ્વસ્થ છે અને તેનું ધ્યાન કેન્દ્રીત છે તો તે શાનદાર રમશે. ફ્રેન્ચ ઓપન દરમિયાન તે સંપૂર્ણ રીતે સ્વસ્થ ન હતી.