લંડનઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિશ્વ કપ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી શિખર ધવન અને રોહિત શર્માએ મેથ્યૂ હેડન અને એડમ ગિલક્રિસ્ટના રેકોર્ડની બરાબરી કરી લીદી છે. આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં આ બંન્નેએ ઓપનિંગ વિકેટ માટે 16મી સદીની ભાગીદારી કરી છે. મેથ્યૂ હેડન અને એડમ ગિલક્રિસ્ટની પૂર્વ ઓપનિંગ જોડીએ પણ વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે 16 વખત સદીની ભાગીદારી કરી હતી. આ મામલામાં સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની પૂર્વ ભારતીય ઓપનિંગ જોડી વિશ્વમાં પ્રથમ સ્થાન પર છે. આ બંન્નેએ વનડે ક્રિકેટમાં કુલ 21 વખત સદીની ભાગીદારી કરી છે. ત્યારબાદ રોહિત શર્મા-શિખર ધવન અને એડમ ગિલક્રિસ્ટ-મેથ્યૂ હેડનની ઓપનિંગ જોડીનો નંબર આવે છે. બંન્નેએ 16-16 વખત આ સિદ્ધિ હાસિલ કરી છે. 


રોહિત-ધવને કરી હેડન-ગિલક્રિસ્ટના વિશ્વ કપ રેકોર્ડની બરાબરી
આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં વધુ એક સદીની ભાગીદારી કરતા શિખર અને રોહિતની જોડી વનડે ક્રિકેટ ઈતિહાસમાં બીજી સૌથી સફળ ઓપનિંગ જોડી બની જશે. જો વાત આઈસીસી વિશ્વકપની કરીએ તો તેમાં શિખર અને રોહિતની જોડીએ ગિલક્રિસ્ટ-હેડનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ બંન્ને ઓપનિંગ જોડીએ વિશ્વકપમાં ઓપનિંગ વિકેટ માટે અત્યાર સુધી 6-6 સદીની ભાગીદારી કરી છે. વિશ્વકપમાં તિલકરત્ને દિલશાન-કુમાર સાંગાકારાની શ્રીલંકન ઓપનિંગ જોડીએ 5 અને હર્શલ ગિબ્સ-ગૈરી કર્સ્ટનની આફ્રિકાની ઓપનિંગ જોડીએ 4 વખત ઓપનિંગ વિકેટ માટે સદીની ભાગીદારી કરી છે.