રોહિત શર્મા-યશસ્વી જાયસવાલની જોડીની નવી સિદ્ધિ, રેકોર્ડ બુકમાં કરી એન્ટ્રી
રોહિત શર્મા અને યશસ્વી જાયસવાલે વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવતા સદીની ભાગીદારી કરી છે. આ સાથે તે સતત મેચમાં સદીની ભાગીદારી કરનારી છઠ્ઠી ભારતીય જોડી બની ગઈ છે.
ત્રિનિદાદઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રિનિદાદમાં બે મેચની ટેસ્ટ સિરીઝનો બીજો મુકાબલો ચાલી રહ્યો છે. બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ ભારતીય ઓપનિંગ જોડીએ એકવાર ફરી વિન્ડીઝના કેપ્ટનના નિર્ણયને ખોટો સાબિત કર્યો છે. યશસ્વી જાયસવાલ અને રોહિત શર્માએ બીજી મેચમાં પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરી લીધી છે. આ સાથે બંનેની જોડીએ એક ખાસ યાદીમાં પોતાની જગ્યા બનાવી લીધી છે, જેમાં વીરેન્દ્ર સેહવાગ-મુરલી વિજય, સુનીલ ગાસવકર-ફારૂખ એન્જિનિયર જેવા દિગ્ગજોના નામ સામેલ છે.
રોહિત શર્મા અને યશસ્વી જાયસવાલની જોડી સતત મેચોમાં સદીની ભાગીદારી કરનારી છઠ્ઠી ભારતીય જોડી બની ગઈ છે. ભારત માટે સૌથી વધુ સદીની ભાગીદારી બનાવવાનો રેકોર્ડ મુરલી વિજય અને સેહવાગના નામે છે, જેણે 2008-09માં ત્રણવાર સદીની ભાગીદારી કરી હતી.
સતત સર્વાધિક સદીની ભારીદારી કરનાર ભારતની ઓપનિંગ જોડી
3- વીરેન્દ્ર સેહવાગ-મુરલી વિજય (2008-09)
2- સુનીલ ગાવસકર-ફારૂખ એન્જિનિયર (1973-74)
2- સુનીલ ગાવસકર- અંશુમન ગાયકવાડ (1976)
સુનીલ ગાવસકર-અરૂણ લાલ (1982)
2- સદગોપ્પન રમેશ અને દેવાંગ ગાંધી (1999)
2- રોહિત શર્મા અને જાયસવાલ (2023)
રોહિત શર્મા અને જાયસવાલની ઓપનિંગ જોડી ભારતની બહાર વિદેશી ધરતી પર સૌથી વધુ સદીની ભાગીદારી કરનારી ચોથી જોડી બની ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ ટેસ્ટમાં બંનેએ 229 રનની ભાગીદારી કરી હતી. બીજી મેચમાં બંનેએ 139 રનની ભાગીદારી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube