રોહિત શર્માએ પૂરા કર્યા વનડે આંતરરાષ્ટ્રીય કરિયરમાં 8000 રન, બન્યો ત્રીજો સૌથી ઝડપી ક્રિકેટર
રોહિતે આ સિદ્ધિ વનડે કરિયરની 200મી ઈનિંગમાં હાસિલ કરી છે. રોહિત સૌથી ઝડપી 8000 વનડે આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનારો ત્રીજો બેટ્સમેન બન્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ઓપનર રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝના પાંચમાં અને નિર્ણાયક વનડેમાં બુધવારે એક સિદ્ધિ મેળવી છે. ફિરોઝશાહ કોટલા મેદાનમાં જ્યારે તેણે આ મેચમાં પોતાના 46 રન પૂરા કર્યા, તે વનડે આંતરરાષ્ટ્રીયમાં 8 હજાર રન પૂરા કરનારો બેટ્સમેન બની ગયો છે. તે આમ કરનારો નવમો અને ઓવરઓલ 30મો ક્રિકેટર છે.
રોહિતે આ સિદ્ધિ વનડે કરિયરની 200મી ઈનિંગમાં હાસિલ કરી છે. રોહિત સૌથી ઝડપી 8000 વનડે આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનારો સંયુક્ત રૂપથી ત્રીજો બેટ્સમેન બની ગયો છે. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ 200 ઈનિંગમાં વનડે આંતરરાષ્ટ્રીય કરિયરમાં 8000 રન પૂરા કર્યા હતા. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ લિસ્ટમાં ટોપ પર છે. તેણે 175 વનડે ઈનિંગમાં 8 હજાર રન પૂરા કર્યા હતા. ત્યારબાદ સાઉથ આફ્રિકાના દિગ્ગજ એબી ડિ વિલિયર્સનું નામ આવે છે, જેણે 182 ઈનિંગમાં 8 હજાર રન પૂરા કર્યાં હતા.
31 વર્ષના રોહિત સિવાય વિરાટ, ગાંગુલી, દિગ્ગજ સચિન તેંડુલકર, પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, રાહુલ દ્રવિડ, વીરેન્દ્ર સહેવાહ, યુવરાજ સિંહ અને મોહમ્મદ અઝહરુદ્દીને પણ આ સિદ્ધિ મેળવી છે. રોહિત મોહાલીમાં રમાયેલા ચોથા વનડે મેચમાં માત્ર 5 રનથી સદી ચુકી ગયો હતો.