IND vs AUS: પાંચમી ટેસ્ટમાં નહીં રમે રોહિત શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણાને તક, સામે આવ્યા મોટા સમાચાર
IND vs AUS 5th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ આવતીકાલથી સિડનીમાં રમાશે.
સિડનીઃ ઓસ્ટ્રેલિયાથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા પાંચમી ટેસ્ટ મેચ રમશે નહીં. તો આકાશદીપના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી છે. મહત્વનું છે કે આકાશદીપ ઈજાને કારણે અંતિમ ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી.
સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે શુભમન ગિલ સિડની ટેસ્ટમાં વાપસી કરવા માટે તૈયાર છે. રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ યશસ્વી જાયસવાલ સાથે ઓપનિંગ કરશે. ગિલ ત્રીજા ક્રમે બેટિંગ કરશે. સૂત્રોએ જણાવ્યું કે કેપ્ટન રોહિત શર્માએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકરને માહિતી આપી છે કે તે અંતિમ ટેસ્ટ રમશે નહીં.
રોહિત શર્માની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ ટીમની આગેવાની કરશે. મહત્વનું છે કે બુમરાહે પર્થ ટેસ્ટમાં ટીમની કમાન સંભાળી હતી, જ્યાં ભારતીય ટીમે જીત મેળવી હતી. સૂત્રોએ જણાવ્યું કે રોહિત શર્માએ પોતાના નિર્ણય વિશે ગૌતમ ગંભીર અને અજીત અગરકરને માહિતી આપી દીધી છે. મહત્વનું છે કે રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં છે અને તેના પ્રદર્શન પર સતત સવાલો ઉભા થઈ રહ્યાં છે.
આ પણ વાંચોઃ રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત, મનુ ભાકર સહિતના આ દિગ્ગજોને મળ્યો ખેલ રત્ન એવોર્ડ
સિડની ટેસ્ટમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જાયસવાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગટન સુંદર, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ (કેપ્ટન).
નોંધનીય છે કે ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 1-2થી પાછળ છે. સિડની ટેસ્ટ જીતીને ભારતીય ટીમ પાસે ટેસ્ટ સિરીઝ બરોબર કરવાની તક છે. આ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની રેસમાં બની રહેવા માટે પણ ભારતે સિડની ટેસ્ટ જીતવી ખુબ જરૂરી છે. સિડની ટેસ્ટમાં ટીમ હારશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની આશા સમાપ્ત થઈ જશે.
રોહિતનું ખરાબ પ્રદર્શન
પર્થ ટેસ્ટમાં રોહિત શર્મા પિતા બનવાને કારણે બહાર રહ્યો હતો. આ દરમિયાન જસપ્રીત બુમરાહે ટીમની આગેવાની કરી હતી. ભારતે આ મેચમાં શાનદાર જીત મેળવી હતી. પરંતુ બીજી ટેસ્ટમાં રોહિત શર્માએ વાપસી કરી અને ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. બ્રિસ્બેન ટેસ્ટમાં પણ વરસાદને કારણે મેચ ડ્રો રહી હતી. જ્યારે બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયામાં પાંચ ઈનિંગમાં માત્ર 31 રન બનાવ્યા છે.