હૈદરાબાદઃ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ (IND vs NZ) ત્રણ મેચની વનડે સિરીઝના પહેલા મુકાબલામાં સિક્સ ફટકારવાની સાથે તેણે ભારતમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો નવો સિક્સર કિંગ બની ગયો છે. તેણે આ મામલામાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને (MS Dhoni)પાછળ છોડી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ઓપનર રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામે જ્યારે ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર કવરની ઉપરથી સિક્સ ફટકારી તો તેણે એમએસ ધોનીને પાછળ છોડી દીધો. ધોનીએ ભારતમાં વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 123 સિક્સ ફટકારી હતી, પરંતુ રોહિત શર્માએ પોતાના સિક્સની સંખ્યા 124 પર પહોંચાડી દીધી હતી. તેણે પાંચમી ઓવરમાં વધુ એક સિક્સ ફટકારી હતી. 


આ લિસ્ટમાં ત્રીજા નંબર પર તેંડુલકરનું નામ છે, પરંતુ તેમણે ભારતની ધરતી પર 100 સિક્સ પણ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફટકારી નથી. સચિનના નામે ભારતમાં વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 71 સિક્સ ફટકારવાનો રેકોર્ડ નોંધાયેલો છે. નોંધનીય છે કે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડી પણ રોહિત શર્મા છે. 


તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલામાં બીજા સ્થાને પહોંચી ગયો છે. તે 500 સિક્સ ફટકારનાર એકમાત્ર એશિયન ખેલાડી છે. તેની આગળ ક્રિસ ગેલ છે, જેણે 553 સિક્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ફટકારી છે. રોહિતે અત્યાર સુધી 510 સિક્સ ફટકારી છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube