IND vs NZ: રોહિત શર્મા બનશે ટી20 કેપ્ટન, વિરાટ કોહલીને અપાશે આરામ
આઈસીસી ટી20 વિશ્વકપમાંથી બહાર થયા બાદ હવે ભારતીય ટીમ આગામી 17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે ટી20 સિરીઝ સાથે એક નવી શરૂઆત કરશે. આ સિરીઝ માટે રોહિત શર્માને ટી20 ટીમની કમાન સોંપવામાં આવશે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આગામી 24 કલાકમાં ગમે તે સમયે ન્યૂઝીલેન્ડ સામે રમાનાર ટી20 અને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. ભારતીય ટીમે પોતાના ઘરમાં 17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની ટી20 સિરીઝ અને બે મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. નિર્ધારિત ઓવરમાં ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા ટી20માં ટીમની કમાન સંભાળી શકે છે. રોહિતને સાથે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં પણ આગેવાની કરવાની તક મળી શકે છે. કારણ કે નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને પ્રથમ ટેસ્ટમાં આરામ આપવામાં આવી શકે છે.
વિરાટ કોહલી પહેલા જ જાહેરાત કરી ચુક્યો હતો કે તે આઈસીસી ટી20 વિશ્વકપ 2021 બાદ ભારતીય ટી20 ટીમની કમાન સંભાળશે નહીં અને આ ટૂર્નામેન્ટમાં ભારતનું અભિયાન સમાપ્ત થયા બાદ સોમવારે તે ટી20 કેપ્ટન તરીકે છેલ્લીવાર મેદાનમાં જોવા મળ્યો હતો. આ મેચમાં ભારતે નામીબિયાને 9 વિકેટે પરાજય આપ્યો હતો.
આ પણ વાંચો- ટીમ ઈન્ડિયાના કોચ પદેથી હટ્યા બાદ ગુસ્સે થયા રવિ શાસ્ત્રી, ICC ને આપી દીધી વોર્નિંગ
એક રિપોર્ટ પ્રમાણે વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટમાંથી આરામ લઈ રહ્યો છે અને તે મુંબઈમાં રમાનાર બીજી ટેસ્ટમાં વાપસી કરશે. કોહલીને ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની ટી20 સિરીઝમાં પણ આરામાં આપવામાં આવશે. ટેસ્ટ ટીમમાં વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે પોતાની ભૂમિકા યથાવત રાખશે જ્યારે કેએલ રાહુલ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન હશે. ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જયપુર, રાંચી અને કોલકત્તામાં ત્રણ મેચોની ટી20 સિરીઝ રમવાની છે. ત્યારબાદ તે કાનપુર અને મુંબઈમાં બે ટેસ્ટ ટેસ્ટ મેચ રમશે.
ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી જેવા સીનિયર બોલરોને પણ આરામ આપવામાં આવી શકે છે, જ્યારે વરૂણ ચક્રવર્તી અને હર્ષલ પટેલને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આ સિવાય શ્રેયસ અય્યર અને રાહુલ ચાહર તથા દીપક ચાહરની ટીમમાં વાપસી થઈ શકે છે. યુવા વિકેટકીપર બેટર રિષભ પંત સિલેક્ટરોની પ્રથમ પસંદ હશે, જ્યારે રિઝર્વ તરીકે રિદ્ધિમાન સાહાને ટીમમાં પસંદ કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈએ હજુ વનડે કેપ્ટનશિપને લઈને કોઈ નિર્ણય લીધો નથી, કારણ કે હાલમાં ટીમે કોઈ એકદિવસીય મેચ રમવાની નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube