Rohit Sharma Yashasvi Jaiswal: ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને કાનપુર ટેસ્ટમાં વળતો જવાબ આપ્યો છે. ભારતને રોહિત શર્મા અને યશસ્વી જાયસવાલે આક્રમક શરૂઆત અપાવી હતી. રોહિત અને યશસ્વીએ 3 ઓવરમાં ટીમનો સ્કોર 50ને પાર પહોંચાડી દીધો હતો. રોહિત આ દરમિયાન 11 બોલમાં 23 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે યશસ્વી 72 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ બંનેની ભાગીદારીએ ટેસ્ટ ક્રિકેટના નવા રેકોર્ડ બનાવી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત અને યશસ્વીના દમ પર ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચી દીધો છે. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત અને યશસ્વીએ 3 ઓવરમાં 51 રન ફટકારી દીધા હતા. ટેસ્ટ ક્રિકેટમાં પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે હતો. ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 4.2 ઓવરમાં 50 રનનો આંકડો પાર કર્યો હતો. તો ઈંગ્લેન્ડે આફ્રિકા સામે 1994માં 4.3 ઓવરમાં 50 રન બનાવ્યા હતા. 


રોહિત-યશસ્વીની આક્રમક શરૂઆત
કાનપુર ટેસ્ટમાં રોહિત અને યશસ્વીએ કમાલ કરી દીધો છે. યશસ્વીએ 51 બોલનો સામનો કરતા 12 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. આ દરમિયા તેણે 72 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 11 બોલમાં 3 સિક્સ અને 1 ફોર સાથે 23 રન બનાવી આઉટ થયો હતો. યશસ્વીએ આઉટ થતાં પહેલા ટીમ ઈન્ડિયાનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો હતો. 



ટેસ્ટમાં સૌથી ઝડપી 100 રનનો રેકોર્ડ પણ ટીમ ઈન્ડિયાના નામે
ટીમ ઈન્ડિયાએ ટેસ્ટમાં સૌથી ઝડપી 100 રનનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. ભારતે બાંગ્લાદેશ સામે 10.1 ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા પણ રેકોર્ડ ભારતના નામે હતો. ત્યારે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 2023માં 12.2 ઓવરમાં 100 રનનો આંકડો પાર કર્યો હતો. 


બાંગ્લાદેશે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 233 રન
બાંગ્લાદેશે પ્રથમ ઈનિંગમાં તમામ વિકેટ ગુમાવી 233 રન બનાવ્યા હતા. તેના માટે મોમિનુલ હકે અણનમ સદી ફટકારી હતી. હકે 194 બોલમાં અણનમ 107 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 17 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી.