ICCના નિયમ પર બબાલ, યુવી-ગંભીર બાદ રોહિત શર્માએ ઉઠાવ્યા સવાલ
લોર્ડ્સના મેદાન પર રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવીને વિશ્વ કપ-2019નું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. પરંતુ આ મેચ બાદ આઈસીસીના નિયમોને લઈને સવાલ ઉઠી રહ્યાં છે.
નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વકપના ફાઇનલ મુકાબલામાં ઈંગ્લેન્ડે જીત હાસિલ કરીને પ્રથમ વખત ટાઇટલ પર કબજો કર્યો છે. લોર્ડ્સના મેદાન પર રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવીને આઈસીસી વિશ્વ કપ-2019નું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. પરંતુ આ મેચ બાદ આઈસીસીના નિયમોને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે.
ક્રિકેટના આ મહાસંગ્રામમાં સૌથી વધુ 648 રન બનાવનાર રોહિત શર્માએ કહ્યું કે, આઈસીસીએ કેટલાક નિયમો પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. તેણે ટ્વીટ કર્યું, 'ક્રિકેટના કેટલાક નિયમોને ગંભીર રૂપથી જોવાની જરૂર છે.'
રોહિત શર્મા સિવાય પૂર્વ ભારતીય ખેલાડી અને વર્તમાનમાં ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે પણ આઈસીસીના નિયમો પર સવાલ ઉઠાવ્યા છે. ગંભીરે કહ્યું કે, બાઉન્ડ્રીની સંખ્યાના આધાર પર ટીમને વિજેતા બનાવવાનો નિયમ વાહિયાત છે.
તેણે કહ્યું, 'મેચ વિનરનો નિર્ણય બાઉન્ડ્રીની સંખ્યાના આધાર પર થયો. આઈસીસીનો આ નિયમ વાહિયાત છે. મેચ ટાઈ થવી જોઈતી હતી. બું બંન્ને ટીમોને શુભેચ્છા આપીશ જેણે શાનદાર ફાઇનલ રમી. બંન્ને વિજેતા છે.'
ગંભીર સિવાય પૂર્વ ભારતીય ખેલાડી યુવરાજ સિંહે પણ આઈસીસીના આ નિયમ સાથે અસહમતિ વ્યક્ત કરી છે. યુવીએ ટ્વીટ કર્યું, 'હું આઈસીસીના તે નિયમ સાથે સહમત નથી. પરંતુ નિયમ તો નિયમ હોય છે. ઈંગ્લેન્ડને વિશ્વ કપ જીતવા પર શુભેચ્છા. મારી સહાનુભૂતિ ન્યૂઝીલેન્ડ ટીમની સાથે છે, જે અંત સુધી લડી. સારૂ રમી.'
આ નિયમ જેના પર થયો વિવાદ- બાઉન્ડ્રીથી વિજેતાનો નિર્ણય
મહત્વનું છે કે, ક્રિકેટ વિશ્વ કપના ફાઇનલ મુકાબલા બાદ આઈસીસીના નિયમોને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વિશ્વ કપની ફાઇનલ મેચ અને પછી સુપર ઓવર ટાઈ થયા બાદ બાઉન્ડ્રીની સંખ્યાના આધાર પર ઈંગ્લેન્ડની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
આ મેચમાં ઈંગ્લેન્ડે 50 ઓવર અને સુપર ઓવરને મળીને કુલ બાઉન્ડ્રી (ચોગ્ગા અને છગ્ગા) ફટકાર્યા હતા. તો ન્યૂઝીલેન્ડના ખાતામાં માત્ર 17 બાઉન્ડ્રી હતી. તેવામાં મેચ ટાઈ થયા બાદ ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. આઈસીસીના આ નિયમ વિરુદ્ધ લોકોએ સોશિયલ મીડિયા પર પણ અવાજ ઉઠાવ્યો છે.