રોનાલ્ડોએ કહ્યું, મારા પર બળાત્કારનો આરોપ ખોટો, જર્મન મેગેઝિન પર કરશે કેસ
અમેરિકાના કૈથરીન મેયોર્ગોનો આરોપ છે કે રોનાલ્ડોએ 2009માં તેની સાથે બળાત્કાર કર્યો હતો.
તુરિન (ઇટલી): પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેના પર લાગેલા આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે. તેણે કહ્યું કે, કેટલાક લોકો તેનું નામ લઈને પોતાનો પ્રચાર કરવા ઈચ્છે છે. રોનાલ્ડો આ સિઝનમાં ઇતાવલી ફુટબોલ ક્લબ જુવેન્ટ્સ સાથે રમી રહ્યો છે.
અમેરિકાની કૈથરીન મેયોર્ગોએ રોનાલ્ડો પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. રોનાલ્ડોએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરીને આરોપોનો જૂઠ્ઠા ગણાવ્યા છે. તેણે કહ્યું, તે મારા નામનો ઉપયોગ કરીને સ્વયંનો પ્રચાર કરવા ઈચ્છે છે. રોનાલ્ડોના વકીલે કહ્યું કે, તે જર્મનીના ડેર સ્પીગલ પત્રિકા પર કેસ કરશે, જેણે મૂળ રૂપથી આ આરોપોની સૂચના આપી હતી.
મેગેઝિને કૈથરીન મેયોર્ગોના હવાલાથી આ દાવો કર્યો હતો. મેયોર્ગાએ કહ્યું, રોનાલ્ડો 2009માં લાસ વેગાસની એક હોટલના બાથરૂપમાં બળજબરીથી ઘુસી ગયો. પછી મને ખેંચીને બેડરૂમમાં લઈ ગયો અને બળાત્કાર કર્યો હતો. મેયોર્ગાએ આ ઘટના બાદ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો રિપોર્ટ દાખલ કરાવ્યો હતો.
મેયોર્ગાએ દાવો કર્યો કે 2010માં આ મામલા પર કોર્ટની બહાર રોનાલ્ડોની સાથે સમજુતી થઈ ગઈ હતી. આ વાતને જનતાની સામે ન લાવવાની શરતે રોનાલ્ડો તરફથી તેને 375,000 ડોલર (આશરે 2.73 કરોડ રૂપિયા)ની ચુકવણી કરી હતી. તેના વકીલ હવે આ સમજુતીને રદ્દ કરવાની માંગ કરી રહ્યાં છે. રોનાલ્ડોના વકીલે કહ્યું કે, મેગેઝિનનો રિપોર્ટ ગેરકાયદેસર છે.
આ કોઈ પ્રથમ ઘટના નથી, જ્યારે રોનાલ્ડો વિવાદમાં સપડાયો છે. ગત વર્ષે એક મોડલે રોનાલ્ડો પર આરોપ લગાવતા કહ્યું હતું કે, તેણે સેક્સ માટે તેનો ઉપયોગ કર્યો હતો. મોડલ અને ટીવી સ્ટાર નતાશા રોડ્રિગ્જે રોનાલ્ડો પર આરોપ લગાવતા કહ્યું હતું કે, રોનાલ્ડોએ તેનો ઉપયોગ કર્યો હતો.