IPL 2021: ચેન્નઈમાં RCBનો ચમત્કાર, રોમાંચક મેચમાં હૈદરાબાદને 6 રને હરાવ્યું
ચેપોકમાં રમાયેલી આઈપીએલની પાંચમી મેચમાં રોયલ ચેલેન્જર્સે અંતિમ ઓવરોમાં શાનદાર બોલિંગ કરી હૈદરાબાદને 6 રને પરાજય આપી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાસિલ કરી લીધુ છે.
ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 14) ની ચેન્નઈમાં રમાયેલી રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઇઝર્સ હૈદરાબાદને 6 રને હરાવી ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. 16 ઓવરમાં હૈદરાબાદનો સ્કોર 2 વિકેટે 115 રન હતો પરંતુ ત્યારબાદ બેંગલોરે શાનદાર વાપસી કરતા અંતિમ ચાર ઓવરમાં સાત વિકેટ ઝડપી હતી. ચેન્નઈમાં રમાયેલી મેચમાં અંતિમ ઓવરોમાં પરિણામ પલટી જાય છે. આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 9 વિકેટે માત્ર 143 રન બનાવી શકી હતી. આ જીત સાથે વિરાટ કોહલીની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન બની ગઈ છે.
સાહા સસ્તામાં આઉટ, વોર્નરની અડધી સદી
આરસીબીએ આપેલા 150 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદને 13 રનના સ્કોર પર સાહા (1)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ મનીષ પાંડે અને વોર્નરે મળીને પાવરપ્લેમાં ટીમનો સ્કોર 50 રન પર પહોંચાડ્યો હતો. ડેવિડ વોર્નરે શાનદાર બેટિંગ કરતા 32 બોલમાં પોતાના આઈપીએલ કરિયરની 49મી અડધી સદી પૂરી કરી હતી. તેણે સાત ચોગ્ગા અને એક છગ્ગા સાથે આ અડધી સદી પૂરી કરી હતી. વોર્નર 37 બોલમાં 54 રન બનાવી જેમિસનનો શિકાર બન્યો હતો.
શાહબાઝ અહમદે એક ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી
16 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 2 વિકેટે 115 રન હતો. બેયરસ્ટો અને મનીષ પાંડે બેટિંગ કરી રહ્યાં હતા. પરંતુ 17મી ઓવરમાં મેચમાં ટ્વિસ્ટ આવ્યું હતું. શાહબાઝ અહમદે ઓવરના પ્રથમ બોલ પર જોની બેયરસ્ટો (12)ને એબી ડિવિલિયર્સના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ મનીષ પાંડે (38)ને આઉટ કરી સતત બે બોલમાં બે ઝટકા આપ્યા હતા. મનીષ પાંડે 39 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકારી આઉટ થયો હતો. શાહબાઝે ઓવરના છેલ્લા બોલે અબ્દુલ સમદ (0)ને આઉટ કરી હૈદરાબાદને પાંચમો ઝટકો આપ્યો હતો.
વિજય શંકર (3)ને હર્ષલ પટેલે આઉટ કર્યો હતો. જેસન હોલ્ડર 4 રન બનાવી મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. રાશિદ ખાન 17 રન બનાવી રનઆઉટ થયો હતો. શાહબાઝ નદીમ શૂન્યને હર્ષલ પટેલે આઉટ કરી હૈદરાબાદને આઠમો ઝટકો આપ્યો હતો.
બેંગલોર તરફથી શાહબાઝ અહમદે 7 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય મોહમ્મદ સિરાજે 24 રન આપીને 2 તથા હર્ષખલ પટેલને બે સફળતા મળી હતી. કાઇલ જેમિસને એક વિકેટ ઝડપી હતી.
બેંગલોરની ખરાબ શરૂઆત, કોહલીની ધીમી બેટિંગ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલ સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. ટીમને ત્રીજી ઓવરમાં ભુવનેશ્વર કુમારે પ્રથમ ઝટકો આપ્યો હતો. પડિક્કલ (11) રન બનાવી આઉટ થયો હતો. ટીમે પાવરપ્લેમાં 47 રન બનાવ્યા હતા. આરસીબીને બીજો ઝટકો શાહબાઝ અહમદ (14)ના રૂપમાં લાગ્યો હતો. આ સફળતા શાહબાઝ નદીમને મળી હતી.
કેપ્ટન વિરાટ કોહલી 29 બોલમાં ચાર ચોગ્ગા સાથે 33 રન બનાવી જેસન હોલ્ડરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રાશિદ ખાને એબી ડિવિલિયર્સ (1)ને આઉટ કરી હૈદરાબાદને મોટી સફળતા અપાવી હતી. વોશિંગટન સુંદર (8) રન બનાવી રાશિદનો શિકાર બન્યો હતો.
મેક્સવેલની પાંચ વર્ષ બાદ આઈપીએલમાં અડધી સદી
રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી એકમાત્ર ગ્લેન મેક્સવેલે અડધી સદી ફટકારી હતી. આ મેક્સવેલની પાંચ વર્ષ બાદ આઈપીએલમાં પ્રથમ અડધી સદી છે. મેક્સવેલ 41 બોલમાં 3 છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે 59 રન ફટકારી ઈનિંગના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. કાઇલ જેમિસન 12 રન બનાવી હોલ્ડરનો શિકાર બન્યો હતો. ડેનિયલ ક્રિસ્ટિયન (1)ને નટરાજને આઉટ કર્યો હતો.
હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડર સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 30 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 18 રન આપી બે તથા ભુવનેશ્વર, નટરાજન અને શાહબાઝ નદીમે એક-એક વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube