મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022ના 49માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ચેન્નઈ સુપર કિંગ્સને 13 રને પરાજય આપ્યો છે. સતત ત્રણ હાર બાદ બેંગલોરની ટીમને જીત મળી છે. આ જીત સાથે આરસીબીની ટીમે 12 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથુ સ્થાન મેળવી લીધુ છે. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 8 વિકેટે 160 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરસીબીની સારી શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરને વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં 57 રન જોડ્યા હતા. આરસીબીને પ્રથમ ઝટકો 62 રનના સ્કોર પર લાગ્યો હતો. ફાફ 38 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ મેક્સવેલ 3 રન બનાવી રનઆઉટ થયો હતો. 


મહિપાલ લોમરોરની શાનદાર ઈનિંગ
વિરાટ કોહલી 33 બોલમાં 30 રન બનાવી મોઇન અલીનો શિકાર બન્યો હતો. રજત પાટીદારે 21 રનનું યોદગાન આપ્યું હતું. મહિપાલ લોમરોર 27 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે 42 રન બનાવી તીક્ષ્ણાનો શિકાર બન્યો હતો. દિનેશ કાર્તિકે અણનમ 26 રન બનાવ્યા હતા. શાહબાઝ 1 રન બનાવી આઉટ થયો હતો. 


આ પણ વાંચોઃ વિકેટકીપર સાહાને ધમકાવનાર પત્રકાર પર બીસીસીઆઈની કાર્યવાહી, લગાવ્યો બે વર્ષનો પ્રતિબંધ


સારી શરૂઆત બાદ ચેન્નઈનો ધબડકો
ચેન્નઈ સુપર કિંગ્સે પાવરપ્લેમાં સારી શરૂઆત કરી હતી. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી. રુતુરાજ ગાયકવાડ 28 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ રોબિન ઉથપ્પા માત્ર 1 રન બનાવી મેક્સવેલનો શિકાર બન્યો હતો. અંબાતી રાયડૂ (10) ને મેક્સવેલે બોલ્ડ કરી મોટી સફળતા અપાવી હતી. 


કોનવેની બીજી અડધી સદી 
ચેન્નઈ તરફથી ડેવોન કોનવેએ સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. કોનવે 37 બોલમાં છ ફોર અને બે સિક્સ સાથે 56 રન બનાવી આઉટ થયો હતો. મોઈન અલીએ 27 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 34 રન બનાવ્યા હતા. જાડેજા 3, ધોની, 2 અને પ્રિટોરિયસ 13 રન બનાવી આઉટ થયા હતા. બેંગલોર તરફથી હર્ષલ પટેલે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય મેક્સવેલને બે, શાહબાઝ, હેઝલવુડ અને હસરંગાને એક-એક સફળતા મળી હતી. 


આ પણ વાંચોઃ Annual ICC Rankings: ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં, ભારત ટી20માં અને ન્યૂઝીલેન્ડ વનડેમાં નંબર-1 ટીમ  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube