IPL 2018: રોહિત પર ભારે પડ્યો વિરાટ, બેંગલોરનો 14 રને વિજય
આઈપીએલની સીઝન 11ની 31મી મેચમાં રોયલ ચેલેજર્સ બેંગલોરે મુંબઈ ઈન્ડિયન્સને હરાવી સીઝનનો ત્રીજો વિજય મેળવ્યો છે.
બેંગલુરૂઃ આઈપીએલની 31મી મેચમાં રોયલ ચેંલેજર્સ બેંગલોરે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને આઈપીએલની 11મી સીઝનમાં ત્રીજો વિજય મેળવ્યો છે. આ પરાજય બાદ મુંબઈની પ્લેઓફમાં પહોંચવાની આશા ધુંધળી બની ગઈ છે. બેંગલોરે આપેલા 168 રનના લક્ષ્ય સામે મુંબઈની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 153 રન બનાવી શકી હતી. મુંબઈનો 14 રને પરાજય થયો હતો.
168 રનનો લક્ષ્ય હાસિલ કરવા ઉતરેલી મુંબઈને પ્રથમ ઓવરમાં ટિમ સાઉથીએ ઝટકો આપ્યો. તેણે ઈશાન કિશનને એક ઇનસ્વિંગર પર બોલ્ડ કર્યો. તે સિવાય ઉમેશ યાદવે બે વિકેટ ઝડપી. પોલાર્ડ આઉટ થનારો ચોથો બેટ્સમેન હતો.
ઉમેશ યાદવે બે બોલમાં બે ઝટકા આપીને મુંબઈને બેકફૂટ પર ધકેલી દીધું હતું. તેણે પહેલા સૂર્યકુમાર યાદવને LBW અને ત્યાર પછીના બોલે રોહિત શર્માને વિકેટ પાછળ કેચઆઉટ કર્યો. બંન્ને વિકેટોમાં ત્રીજા અમ્પાયરે સામેલ થવું પડ્યું હતું. મુંબઈના ટોંચના તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યાં હતા. સૂર્યકુમાર (9), ઈશાન કિશન (0), ડ્યુમિની (23), રોહિત શર્મા (0) અને પોલાર્ડ (13) રન બનાવી આઉટ થયા હતા.
ત્યારબાદ પંડ્યા બ્રધર્સે છઠ્ઠી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી. કૃણાલને 23 રનનો સ્કોરે મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. અંતિમ ઓવરમાં મુંબઈને જીતવા માટે 25 રનની જરૂર હતી. ટિમ સાઉથીએ પ્રથમ બોલે હાર્દિક પંડ્યા (50)ને આઉટ કર્યો હતો.
બેંગલોર તરફથી સિરાજ, સાઉથી અને ઉમેશ યાદવે બે-બે વિકેટ ઝડપી હતી.
આ પહેલા ફાસ્ટ બોલર અને સ્પિન મિશ્રિત આક્રમણના શાનદાર પ્રદર્શનને કારણે મુંબઈ ઈન્ડિયન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અહીં રોયલ ચેલેજર્સ બેંગલોરને 7 વિકેટ પર 167 રનના સ્કોર પર રોકી દીધું.
હાર્દિક પંડ્યા મુંબઈનો સૌથી સફળ બોલર રહ્યો જેણે ત્રણ ઓવરમાં 28 રન આપીને ત્રણ વિકેટ ઝડપી. જસપ્રીત બુમરાહે (ચાર ઓવરમાં 22 રન પર 1 વિકેટ) અને કૃણાલ પંડ્યા (4 ઓવર 24 રન)ની શાનદાર બોલિંગે આરસીબીને મોટો સ્કોર બનાવતા રોકી હતી.
આરસીબીનો કોઈપણ બેટ્સમેન સારી શરૂઆતને મોટી ઈનિંગમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યો. ઓપનિંગ બેટ્સમેન મન વોહરા (45), કેપ્ટન કોહલી (32) અને બ્રેન્ડન મેક્કુલમ (37)એ સેટ થયા બાદ વિકેટ ગુમાવી. કોલિન ડિ ગ્રેન્ડહોમે (10 બોલમાં અણનમ 23) મિશેલ મેકલેનગન (34 રનમાં એક વિકેટ)ની અંતિમ ઓવરમાં ત્રણ સિક્સ સહિત 24 રન ફટકારીને ટીમનો સ્કોર 160ને પાર કરાવ્યો હતો.
મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. યજમાન ટીમ પ્રથમ ત્રણ ઓવરમાં માત્ર 11 રન બનાવી શકી હતી. મનને ચોથી ઓવરમાં જેપી ડ્યુમિનીને નિશાન બનાવતા તેના સતત બોલ પર બે ફોર અને બે સિક્સ ફટકારી. ક્વિંટન ડિ કોક 13 બોલમાં 7 રન બનાવીને કેચઆઉટ થયો હતો.
આરસીબીની ટીમ પાવર પ્લેમાં એક વિકેટે 43 રન બનાવી શકી. મનને મયંક માર્કંડેયની બોલમાં સિક્સ ફટકારી પરંતુ આગામી બોલે એલબી આઉટ થઈ ગયો. મેક્કુલમે હાર્દિકના નોબોલ અને ફ્રી હિટ પર સતત બે સિક્સ ફટકાર્યા બાદ માર્કંડેયની બોલિંગમાં સતત બે ફોર ફટકારીને ટીમનો સ્કોર 12મી ઓવરમાં 100ને પાર કર્યો હતો.
કેપ્ટન કોહલીએ સ્પિનર કૃણાલના બોલ પર સિક્સ ફટકારી. પરંતુ તે 24 રનના ખાનગી સ્કોરે ભાગ્યશાળિ રહ્યો કે બુમરાહની બોલમાં કેચઆઉટ પર અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો. મેક્કુલમ 25 બોલમાં 37 રન બનાવ્યા બાદ હાર્દિકના સીધા થ્રો દ્વારા રનઆઉટ થયો. હાર્દિકે 17મી ઓવરમાં મનદીપ સિંહ (14) અને કોહલીને સતત બે બોલ પર પેવેલિયન મોકલ્યા બાદ તે જ ઓવરમાં વોશિંગટન સુંદર (1)ને આઉટ કર્યો. ગ્રેન્ડહોમે અંતિમ ઓવરમાં ત્રણ સિક્સ ફટકારીને ટીમને સન્માનજનક સ્કોર પર પહોંચાડી હતી.