IPL 2022: હેટમાયર, ચહલ અને બોલ્ટ છવાયા, લખનઉને હરાવી રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને
RR vs LSG: રાજસ્થાન રોયલ્સે રોમાંચક મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને ત્રણ રને પરાજય આપ્યો છે. આ જીત સાથે સંજૂ સેમસનની સેના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી છે.
મુંબઈઃ રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-2022ની 20મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 3 રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી છે. આ જીત સાથે લખનઉની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવી શકી હતી.
પ્રથમ ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે આપ્યો ઝટકો
રાજસ્થાને આપેલા 165 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનઉની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગના પ્રથમ બોલ પર ટ્રેન્ટ બોલ્ટે કેએલ રાહુલને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ કૃષ્ણપ્પા ગૌતમ પણ ખાતુ ખોલાવ્યા વગર બોલ્ટનો શિકાર બન્યો હતો. જેસન હોલ્ડર 4 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં આઉટ થયો હતો. લખનઉએ પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવી માત્ર 31 રન બનાવ્યા હતા.
પાવરપ્લે બાદ પણ લખનઉની ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી. ટીમનો સ્કોર 52 રન હતો ત્યારે કુલદીપ સેને દીપક હુડ્ડા (25) ને બોલ્ડ કર્યો હતો. હુડ્ડાએ 24 બોલમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. અત્યાર સુધી બધાને પ્રભાવિત કરનાર યુવા બેટર આયુષ ભદોણી માત્ર 4 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. ડી કોક (39) અને ક્રુણાલ પંડ્યા (22) ને પણ યુઝવેન્દ્ર ચહલે પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. દુષ્મંથા ચમીરા પણ 13 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો.
માર્કસ સ્ટોયનિસે અંતમાં 17 બોલમાં ચાર સિક્સ અને બે ફોર સાથે અણનમ 38 રન બનાવ્યા હતા, પરંતુ સ્ટોયનિસ ટીમને જીત અપાવી શક્યો નહીં.
આ પણ વાંચોઃ ICC Meeting: જય શાહની આઈસીસી કમિટીમાં એન્ટ્રી, મળી મોટી જવાબદારી, રમીઝ રાઝાને ઝટકો
આઈપીએલમાં ચહલની 150 વિકેટ પૂરી
રાજસ્થાન રોયલ્સ તરફથી યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 41 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે ચહલે આઈપીએલ કરિયરમાં 150 વિકેટ પૂરી કરી લીધી છે. તો ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 30 રન આપી બે વિકેટ લીધી હતી. કુલદીપ સેન અને પ્રસિદ્ધ કૃષ્ણાને એક-એક વિકેટ મળી હતી.
રાજસ્થાનની ઓપનિંગ જોડી ફેલ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સને 42 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. આવેશ ખાને બટલર (13)ને બોલ્ડ કર્યો હતો. પાવરપ્લેમાં રાજસ્થાને 1 વિકેટે 44 રન બનાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન સંજૂ સેમસન 13 રન બનાવી હોલ્ડરની ઓવરમાં એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો. આ સીઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલ રાસી વાન ડર ડુસેન માત્ર 4 રન બનાવી કૃષ્ણપા ગૌતમનો શિકાર બન્યો હતો. તો દેવદત્ત પડિક્કલે 29 બોલમાં 4 ચોગ્ગા સાથે 29 રન બનાવ્યા હતા.
હેટમાયરની અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ
રાજસ્થાન રોયલ્સે 10મી ઓવરમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ શિમરોન હેટમાયર અને આર અશ્વિને ટીમની ઈનિંગ સંભાળી હતી. અશ્વિન હેટમાયરે પાંચમી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. અશ્વિન અંતિમ ઓવરોમાં રિટાયર્ટ હર્ટ થયો હતો. આમ કરનાર અશ્વિન આઈપીએલના ઈતિહાસનો પ્રથમ બેટર બની ગયો છે. શિમરોન હેટમાયરે આઈપીએલમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું હતું. કેરેબિયન સ્ટારે 36 બોલમાં 6 સિક્સ અને 1 ફોર સાથે અણનમ 59 રન બનાવ્યા હતા. તેની આ ઈનિંગની મદદથી રાજસ્થાનની ટીમ 160થી વધુ રન બનાવી શકી હતી.
લખનઉ તરફથી કૃષ્ણપ્પા ગૌતમે 4 ઓવરમાં 30 રન આપી બે વિકેટ ઝડપી હતી. તો જેસન હોલ્ડરે 4 ઓવરમાં 50 રન આપી બે વિકેટ લીધી હતી. આ સિવાય આવેશ ખાનને એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube