સચિને ગાંગુલીને પોતાના અંદાજમાં આપી શુભેચ્છા, દાદા નહીં, કર્યું આ સંબોધન
BCCI President: સચિન તેંડુલકરે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયામાં તેના પાર્ટનર રહેલા સૌરવ ગાંગુલીને અધ્યક્ષ બનવા પર ખાસ અંદાજમાં શુભેચ્છા આપી છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ નક્કી થયા બાદથી પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી ( Sourav Ganguly)ને શુભેચ્છાઓ મળી રહી છે. તેમા સામેલ થતાં ટીમ ઈન્ડિયાના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, જે રીતે સૌરવે અત્યાર સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી છે, તે આગળ પણ બીસીસીઆઈ અધ્યક્ષ તરીકે આમ કરતો રહેશે.
ઘણા લાંબા સમય સુધી પોતાની સાથે ઓપનિંગ બેટિંગ કરનાર સચિને ખાસ અંદાજમાં શુભેચ્છા આપી છે. આ સંદેશમાં તેંડુલકરે સૌરવને દાદી કહીને સંબોધિત કર્યો છે. સચિન પહેલા જ તેનો ખુલાસો કરી ચુક્યો છે કે જ્યારે ટીમ સૌરવને દાદા કહેતી હતી ત્યારે તે તેને દાદી કહીને બોલાવતો હતો. સચિને મંગળવારે ટ્વીટ કરીને સૌરવને પોતાની નવી ઈનિંગ માટે શુભેચ્છા આપી છે.
સચિને પોતાના ટ્વીટમાં કહ્યું, 'બીસીસીઆઈ અધ્યક્ષ ચૂંટાવા પર 'દાદી'ને શુભેચ્છા. મને વિશ્વાસ છે કે તમે જે રીતે ભારતીય ક્રિકેટની સેવા કરી છે, તેમ આગળ પણ કરશો. નવી ટીમને શુભેચ્છાઓ.'
IND vs SA: રાંચીમાં યોજાશે અંતિમ ટેસ્ટ, પુજારા-જાડેજાનું ફરી પુનરાવર્તન કરવાની અપેક્ષા
ગાંગુલીએ સોમવારે બીસીસીઆઈ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી કરી હતી. આ પદ માટે ઉમેદવારી કરનાર તે એકમાત્ર વ્યક્તિ રહ્યો, જેથી તેનું 23 ઓક્ટોબરે બિનહરીફ થવું નક્કી છે. તે એક વર્ષ કરતા પણ ઓછા સમય માટે બીસીસીઆઈના અધ્યક્ષ રહેશે. સપ્ટેમ્બર 2020મા તેનો કુલિંગ પીરિયડ શરૂ થશે કારણ કે તે છેલ્લા પાંચ વર્ષથી સીએબીના અધ્યક્ષ છે.