Lok Sabha Elections: સચિને પરિવાર સાથે આપ્યો મત, સારા અને અર્જુને પ્રથમ વખત કર્યું મતદાન
આ દરમિયાન તેમના પત્ની અંજલી, પુત્રી સારા અને પુત્ર અર્જુન પણ જોવા મળ્યા હતા.
મુંબઈઃ Lok Sabha Elections 2019: 16મી લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મહારાષ્ટ્રમાં 17 લોકસભા સીટો પર આજે (29 એપ્રિલ) મતદાન યોજાઇ રહ્યું છે. આ દરમિયાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પોતાના પૂરા પરિવારની સાથે મતદાન કરવા પહોંચ્યો હતો. સચિન બાંદ્રાના પોલિંગ સેન્ટર નંબર 203 પર મતદાન કરવા પહોંચ્યો હતો.
આ દરમિયાન તેમના પત્ની અંજલી, પુત્રી સારા અને પુત્ર અર્જુન પણ જોવા મળ્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈએ મત આપ્યા બાદ આ ચારેયની તસ્વીર ટ્વીટ કરી હતી. પહેલા સચિને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, તે એક સીક્રેટ મિશન પર જઈ રહ્યો છે. મુંબઈમાં છ લોકસભા સીટો પર મતદાન ચાલી રહ્યું છે અને બોલીવુડની તમામ દિગ્ગજ હસ્તિઓએ મતદાન કર્યું છે.
પરિવાર સાથે કર્યું મતદાન
આમ તો સચિન જ્યારે પણ ભારતમાં હોય તો હંમેશા મતદાન કરે છે પરંતુ આ વખતે ખાસ રહ્યું તેમના પુત્ર અર્જુન અને પુત્રી સારાનું પણ મતદાન કરવા સાથે આવવું. આ પ્રથમ તક છે જ્યારે અર્જુન અને સારાએ મતદાન કર્યું છે. અર્જુન આ સમયે 19 વર્ષનો છે. સચિન પ્રમાણે તેમણે પહેલા જ વિચારી લીધું હતું કે અર્જુન અને સારા પણ તેમની સાથે મતદાન કરવા આવશે. તેમની સાથે સચિનની પત્ની અંજલી તેંડુલકર પણ મતદાન કરવા આવી હતી.