હિતોનો ટકરાવઃ સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણને લોકપાલે નિવેદન માટે બોલાવ્યા
મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ હિતોના ટકરાવના કથિત મામલામાં વ્યક્તિગત રૂપે સુનાવણી માટે બીસીસીઆઈના લોકપાલ સહ નૈતિક અધિકારી ન્યાયમૂર્તિ ડીકે જૈન સમક્ષ 14 મેએ રજૂ થશે.
નવી દિલ્હીઃ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ હિતોના ટકરાવના કથિત મામલામાં વ્યક્તિગત રૂપે સુનાવણી માટે બીસીસીઆઈના લોકપાલ સહ નૈતિક અધિકારી ન્યાયમૂર્તિ ડીકે જૈન સમક્ષ 14 મેએ રજૂ થશે. જાણવા મળ્યું છે કે, આ મામલામાં ફરિયાદી મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સંજીવ ગુપ્તા અને બીસીસીઆઈ સીઈઓ રાહુલ જૌહરીને પણ ન્યાયમૂર્તિએ જુબાની માટે બોલાવ્યા છે.
ગુપ્તાએ તેંડુલકર અને લક્ષ્મણ પર હિતોના ટકરાવનો આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી હતી પરંતુ આ બંન્ને ક્રિકેટરોએ કોઈપણ પ્રકારના હિતોના ટકરાવનો ઇનકાર કર્યો છે. ગુપ્તાનો આરોપ હતો કે આ બંન્ને ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્ય છે જ્યારે આ સિવાય સચિન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સના આઇકોન અને લક્ષ્મણ સનરાઇઝર્સ હૈદરાબાદના મેન્ટોરના રૂપમાં બેવડી ભૂમિકા ભજવી રહ્યાં છે.
શું છે સંપૂર્ણ ઘટનાક્રમ
તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણને મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સભ્ય સંજીવ ગુપ્તા દ્વારા દાખલ કરેલી ફરિયાદ પર નોટિસ મોકલવામાં આવી હતી. ફરિયાદ પ્રમાણે લક્ષ્મણ અને તેંડુલકર આઈપીએલ ફ્રેન્ચાઇઝી ટીમો ક્રમશઃ સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સના 'સહાયક સભ્ય' અને બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)ના સભ્યના રૂપમાં બેવડી ભૂમિકા નિભાવી જેને કથિત હિતોના ટકરાવનો મામલો ગણાવવામાં આવ્યો હતો.
સચિને આપ્યો હતો જવાબ
પોતાના જવાબમાં સચિને લખ્યું હતું, 'સૌથી પહેલા, નોટિસ પ્રાપ્તકર્તા (તેંડુલકર) તમામ ફરિયાદોને નકારે છે (નિવેદનોને છોડીને જે વિશેષ રૂપથી અહીં સ્વીકારવામાં આવે છે).' તેમણે કહ્યું, 'નોટિસ પ્રાપ્તકર્તા (તેંડુલકર) નિવૃતી બાદ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ ફ્રેન્ચાઇઝી પાસેથી ટીમ ''આઇકોન'ની ક્ષમતામાં કોઈ વિશેષ આર્થિક લાભ/ફાયદો લીધો નથી અને તે કોઈપણ ભૂમિકામાં ફ્રેન્ચાઇઝી માટે કાર્યરત નથી. તેથી બીસીસીઆઈના નિયમ પ્રમાણે કે અન્ય રીતે, અહીં હિતોનો કોઈ ટકરાવ થયો નથી.