નવી દિલ્હીઃ ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાના પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક આજકાલ પુત્રજન્મની ખુશીઓ મનાવી રહ્યા છે. સાનિયા અને શોએભના ઘરે 30 ઓક્ટોબરના રોજ પુત્રનો જન્મ થયો હતો. ગર્ભાવસ્થાને કારણે સાનિયા છેલ્લા ઘણા સમયથી ટેનિસ કોર્ટથી દૂર જતી રહી હતી. હવે તાજેતરમાં જ સાનિયાએ પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે જિમમાં પરસેવો પાડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2016માં મહિલા ડબલ્સમાં નંબર વન રેન્કિંગ સુધી પહોંચી ચુકેલી સાનિયાએ ટ્વીટર પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે જિમમાં ડમ્બલ્સથી પ્રેક્ટિસ કરી રહી છે. સાનિયાએ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ટેનિસ કોર્ટ પર બેબી બમ્પ સાથે પ્રેક્ટિસ કરતો ફોટો શેર કર્યો હતો. 


જોકે, ગર્ભાવસ્થાના ઘણા સમય પહેલાથી સાનિયાએ પ્રોફેશનલ ટેનિસ મેચ રમી નથી, જેનું કારણ તેણે ઘુંટણની ઈજા જણાવી હતી. ત્યાર બાદ ગર્ભવતી બનવાને કારણે તે ટેનિસ કોર્ટથી દૂર થઈ ગઈ હતી. 



જન્મદિવસે પહોંચી જિમ 
સાનિયાએ પોતાનો ફોટો ટ્વીટર પર શેર કરતા લખ્યું કે, "પુત્રજન્મના કેટલાક અઠવાડિયા બાદ જિમમાં પહોંચી છું... હું ઘણી જ ઉત્સાહિત હતી, જેવી રીતે કોઈ બાળક કેન્ડીની દુકાનમાં પહોંચીને ઉત્સાહિત હોય છે. આ માનસિક અને શારીરિક રીતે લાંબી અને મજેદાર વાપસી થવાની છે. ક્યારેક તો શરૂઆત કરવાની જ હતી, એટલે મારા જન્મદિવસે જ કરી લીધી."



સાનિયા સામે રહેલા પડકાર
સાનિયા સામે હવે માતૃત્વની સાથે પોતાના ટેનિસ પ્રોફેશન વચ્ચે સંતુલન સાધવાનો પડકાર હશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે પણ લગભગ એક વર્ષ બાદ ટેનિસમાં પુનરાગમન કર્યું હતું. સેરેનાએ જણાવ્યું હતું કે, દિકરીના જન્મ બાદ રમત અને તેના ઉછેર બાબતે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. 



બાળકનું નામ સોશિયલ મીડિયા પર શેર કર્યું 
સાનિયા મિર્ઝાએ તાજેતરમાં જ પોતાના પુત્રનો પ્રથમ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેણે પોતાના બાળકનું નામ ઈઝાન મિર્ઝા મલિક રાખ્યું છે. સાનિયાએ જણાવ્યું હતું કે, તેના બાળકના નામ પાછળ માતા-પિતા બંનેની સરનેમ લાગશે. 



ટોકિયો ઓલિમ્પિકમાં પુનરાગમનનું લક્ષ્ય 
સાનિયા ટોકિયો ઓલિમ્પિકમાં પુનરાગમનનું લક્ષ્ય ધરાવે છે. સાનિાયએ જણાવ્યું કે, તે પોતાના લક્ષ્ય તરફ કાર્યરત છે અને 2020 ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવાની ઈચ્છા ધરાવે છે. સાનિયાએ વધુમાં જણાવ્યું કે, "મેં મારા જીવનમાં 'મહિલાના પારંપરિક જીવન'ની પદ્ધતિનું પાલન કર્યું નથી. હું હંમેશાં અલગ પથ પર ચાલી છું અને તેનાથી ઘણી જ ખુશ છું."