સંજુ સેમસને રચ્યો ઈતિહાસ, સતત બીજી T20i સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટર
ભારતીય બેટર સંજૂ સેમસને બાંગ્લાદેશ વિરુદ્ધ અંતિમ ટી20 મેચમાં સદી ફટકારી હતી. હવે સંજુએ આફ્રિકા સામે પણ કમાલની બેટિંગ કરતા સદી ફટકારી છે. આ સાથે એક રેકોર્ડ પણ બનાવ્યો છે.
ડરબનઃ સંજુ સેમસન T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સતત બે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. કિંગ્સમીડના ઐતિહાસિક મેદાન પર સંજુએ દક્ષિણ આફ્રિકા સામે માત્ર 47 બોલમાં પોતાની કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. આઉટ થતા પહેલા સંજુએ 50 બોલમાં 107 રનની વિસ્ફોટક ઇનિંગ રમી જેમાં સાત ચોગ્ગા અને 10 છગ્ગા સામેલ હતા.
સતત બીજી મેચમાં સદી
ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા બાંગ્લાદેશની ટીમ ભારત આવી હતી. હૈદરાબાદમાં રમાયેલી શ્રેણીની ત્રીજી મેચમાં તેણે 40 બોલમાં સદી ફટકારી હતી. 47 બોલમાં 111 રનની ઈનિંગ રમીને કારકિર્દીની પ્રથમ ટી20 સદી ફટકારનાર સંજુ સેમસને હવે સતત બીજી મેચમાં ટી20 સદી ફટકારી છે. હવે તે આ ફોર્મેટમાં સૌથી વધુ સદીના મામલે કેએલ રાહુલ સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચાર-ચાર સદી સાથે સંયુક્ત રીતે ટોચના સ્થાને છે.
આવું કરનાર વિશ્વનો ચોથો બેટ્સમેન
સંજુ સેમસન ભલે સતત બે T20I સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો હોય, પરંતુ એકંદરે તે આ યાદીમાં ચોથા ક્રમે આવે છે. સંજુ પહેલા ફ્રાન્સના ગુસ્તાવ મેકેન, સાઉથ આફ્રિકાના રિલે રૂસો અને ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટે આ સિદ્ધિ મેળવી હતી.
સંજુ જોરદાર લયમાં હતો
જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું કહ્યું ત્યારે અભિષેક શર્માએ સંજુ સેમસન સાથે મળીને ઇનિંગની શરૂઆત કરી હતી. અભિષેક વહેલો આઉટ થયો હોવા છતાં સંજુએ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પછી તિલક વર્મા સાથે શાનદાર ભાગીદારી કરી હતી. પ્રોટીયાઝ બોલરોને મેદાનની ચારેબાજુ તોડી નાખ્યા. તેણે કેશવ મહારાજ અને નાકાબયોમજી પીટર જેવા સ્પિનરોની ધોલાઈ કરી હતી.