IND vs SL: સંજૂ સેમસન ઈજાને કારણે ટી20 સિરીઝમાંથી બહાર, આ નવા ખેલાડી અચાનક ટીમમાં કરાયો સામેલ
ભારતીય ક્રિકેટ બોર્ડે માહિતી આપી છે કે સંજૂ સેમસન ઈજાને કારણે શ્રીલંકા સામે બાકીની બે ટી20 મેચમાંથી બહાર થઈ ગયો છે. પસંદગી સમિતિએ તેના રિપ્લેશમેનની જાહેરાત પણ કરી દીધી છે.
નવી દિલ્હીઃ Ind vs SL 2nd T20: ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સિરીઝનો બીજો મુકાબલો ગુરૂવારે પુણેમાં રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો બેટર સંજૂ સેમસન ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સેમસન બહાર થતાં પસંદગી સમિતિએ જીતેશ શર્માને ટીમમાં સામેલ કર્યો છે. નોંધનીય છે કે જીતેશ શર્મા આઈપીએલ-2022માં પંજાબ કિંગ્સ તરફથી રમતો જોવા મળ્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી20 મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં અને અંતિમ ટી20 મેચ 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે.
ફીલ્ડિંગ સમયે થઈ હતી ઈજા
પ્રાપ્ત માહિતી અનુસાર સંજૂ સેમસન ટીમ સાથે પુણે ગયો નથી. સંજૂ પ્રથમ ટી20 મેચ બાદ મુંબઈમાં જ રોકાયો છે. શ્રીલંકા સામે મંગળવારે રમાયેલી પ્રથમ ટી20 મેચ દરમિયાન સંજૂ સેમસન ઈજાગ્રસ્ત થયો હતો. ફીલ્ડિંગ કરવા દરમિયાન તેને ઘુંટણમાં ઈજા થઈ હતી. હવે બીસીસીઆઈએ કહ્યું કે, તે ટી20 સિરીઝ માટે ઉપલબ્ધ રહેશે નહીં.
રોહિતે 15 વર્ષ આઈપીએલ રમી 178 કરોડની કમાણી કરી, રોનાલ્ડોને એક વર્ષના મળશે 1800 કરોડ
ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા, વોશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube