જકાર્તાઃ ભારતના બેડમિન્ટન ખેલાડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી (Satwiksairaj Rankireddy)અને ચિરાગ શેટ્ટીની (Chirag Shetty) જોડીએ ઈન્ડોનેશિયા ઓપનનું ટાઈટલ જીતી લીધુ છે. મેન્સ ડબલ્સના ફાઈનલ મુકાબલામાં ભારતીય જોડીએ મલેશિયાના આરોન ચિયા અને સોહ વુઈ યિકને 21-17, 21-18 થી સીધી ગેમમાં હરાવ્યા છે. આ સાત્વિક અને ચિરાગની જોડીનો પ્રથમ સુપર 1000 વર્લ્ડ ટૂર ટાઈટલ છે. મલેશિયાની જોડી વિરુદ્ધ 7 વખત હાર્યા બાદ સાત્વિક અને ચિરાગને પ્રથમ જીત મળી છે. આ ઈન્ડોનેશિયા ઓપનની ડબલ્સની ઈવેન્ટમાં ભારતનું પ્રથમ ટાઈટલ છે. આરોન ચિયા અને સોહ વુઈ યિકની જોડી પુરૂષ ડબલ્સની વર્લ્ડ ચેમ્પિયન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય જોડીએ આ રીતે જીતી પ્રથમ ગેમ
ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પ્રથમ ગેમ પોતાના નામે કરી હતી. મલેશિયાની જોડીએ મેચની આક્રમક શરૂઆત કરી હતી. તેની પાસે 0-3ની લીડ હતી, પછી સ્કોર 3-7 થઈ ગયો હતો. ત્યારબાદ ભારતીય જોડીએ વાપસી કરી અને 11-9ની લીડ મેળવી લીધી હતી. આ દરમિયાન સાત્વિક અને ચિરાગે સતત છ પોઈન્ટ હાસિલ કર્યાં હતા. ત્યારબાદ પણ કાંટાની ટક્કર જોવા મળી હતી. અંતમાં ભારતીય જોડીએ 18 મિનિટમાં પ્રથમ ગેમને 21-17થી પોતાના નામે કરી લીધી હતી. 


બીજી ગેમમાં કાંટાની ટક્કર
કોમનવેલ્શ ગેમ્સ ચેમ્પિયન સાત્વિક અને ચિરાગની જોડીએ બીજી ગેમમાં પણ આરોન ચિયા અને સોહ વુઈ યિક પાસેથી ટક્કર મળી હતી. એક સમયે ગેમ 5-5થી બરોબરી પર હતી. પરંતુ ત્યારબાદ ભારતીય જોડીએ લીડ મેળવવાનું શરૂ કર્યું. બીજા હાફના બ્રેક સુધી ભારતીય જોડી પાસે 11-8ની લીડ હતી. ત્યારબાદ સાત્વિક અને ચિરાગે પોતાની ગેમની સ્પિડ વધારી હતી. તેની લીડ 20-14ની થઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ બંનેએ કેટલીક ભૂલો કરી હતી. મલેશિયાની જોડીએ સતત ચાર પોઈન્ટ મેળવ્યા હતા. અંતમાં ભારતીય જોડીએ ગેમને જીતવાની સાથે ટાઈટલ પોતાના નામે કરી લીધુ હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube