સૌરવ કોઠારીએ જીત્યું વિશ્વ બિલિયર્ડ્સ ટાઈટલ, સિંગાપોરના પીટર ગિલક્રિસ્ટને હરાવ્યો
સૌરવ કોઠારીએ ફાઈનલમાં પીટર ગિલક્રિસ્ટને 1134-944 પોઈન્ટથી હરાવ્યો હતો, આ ટાઈટલ જીતનારો તે ત્રીજો ભારતીય છે
નવી દિલ્હીઃ ભારતના સૌરવ કોઠારીએ ડબલ્યુબીએલ વિશ્વ બિલિયર્ડસ ચેમ્પિયનશિપ-2018 જીતી લીધી છે. તેણે શુક્રવારે રમાયેલી ફાઈનલમાં સિંગાપોરના પીટર ગિલક્રિસ્ટને 1134-944 પોઈન્ટથી હરાવ્યો હતો. સૌરવ આ ટાઈટલ જીતનારો ત્રીજો ભારતીય છે.
પૂર્વ નેશનલ અને એશિયન બિલિયર્ડ્સ ચેમપિયન સૌરવ કોઠારીને વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપના ટાઈટલ માટે છેલ્લા બે વર્ષમાં બે વખત પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. બેંગલુરુમાં 2016માં તેને ગિલક્રિસ્ટ સામે હારવુંપડ્યું હતું અને 2017માં ઈંગ્લેન્ડના ડેવિડ કોઝિયરે હરાવ્યો હતો.
અંતિમ મિનિટમાં જીતી હતી સેમિફાઈનલ
સૌરવ કોઠારીએ સેમિફાઈનલમાં ગત ચેમ્પિયન ડેવિડ કોઝિયરને અંતિમ મિનિટમાં 1317-1246 સાથે હરાવ્યો હતો. ઈંગ્લેન્ડનો કોઝિયર છ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યો છે. સૌરવ કોઠારીએ સ્થાનિક ખેલાડી માર્ટિન ગુડવિલને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સૌરવે ક્વાર્ટર ફાઈનલમાં 933-551 પોઈન્ટ સાથે વિજય મેળવ્યો હતો. આ દરમિયાન તેણે 378 પોઈન્ટનો મોટો બ્રેક પણ લગાવ્યો હતો.
ગીત સેઠી બન્યા છે 5 વખત ચેમ્પિયન
સૌરવ કોઠારી વર્લ્ડ બિલિયર્ડ્સ ટાઈટલ જીતનારો ત્રીજો ભારતીય છે. આ ટાઈટલ જીતનારા ગીત સેઠી પ્રથમ ભારતીય છે. તેમણે 1992, 1993, 1995, 1998 અને 2006માં આ ટાઈટલ જીત્યું હતું. પંકજ અડવાણીએ (2009, 2012, 2014)માં આ ટાઈટલ ચાર વખત જીત્યું હતું. અડવાણીએ 2014માં તેના બંને ટાઈટલ (લોન્ગ અને શોર્ટ ફોર્મેટ) જીત્યા હતા.
ગિલક્રિસ્ટ ચોથું ટાઈટલ ચૂક્યા
50 વર્ષના ગિલક્રિસ્ટ બિલિયર્ડ્સમાં દિગ્ગજ ખેલાડી મનાય છે. તેઓ વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ ત્રણ વખત જીતી ચુક્યા છે. ઈંગ્લેન્ડમાં જન્મેલા પીટર ગિલક્રિસ્ટે પ્રથમ વખત આ ટાઈટલ 1994માં જીત્યું હતું. ત્યાર બાદ 2001 અને 2013માં પણ ચેમ્પિયન બન્યા હતા.