ભ્રષ્ટાચાર કેસમાં અનુરાગ ઠાકુરને મળી મોટી રાહત, સુપ્રીમે રદ્દ કરી FIR
હિમાચલ પ્રદેશમાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાના મામલામાં કથિત અનિયમિતતાઓના આરોપોમાં ઘેરાયેલા અનુરાગ ઠાકુરને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે ભાજપના સાંસદ ઠાકુર વિરુદ્ધ દાખલ એફઆરઆઈને રદ્દ કરી છે.
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાના મામલામાં કથિત અનિયમિતતાઓના આરોપોમાં ઘેરાયેલા અનુરાગ ઠાકુરને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર વિરુદ્ધ દાખલ એફઆયઆરને રદ્દ કરી દીધી છે. આ સિવાય અનુરાગના પિતા અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન પ્રેમ કુમાર ધૂમલ સહિત અન્ય લોકોને આ મામલામાં ક્લીન ચિટ મળી ગઈ છે.
અનુરાગ અને તેના પિતા પર ધર્મશાળામાં ક્રિકેટ સ્ટેડિયમ માટે જમીન લીઝ પર આપવામાં ગડબડી કરવાનો આરોપ હતો. આ પહેલા હિમાચલ પ્રદેશની ભાજપ સરકારે આ તમામ મામલાને રાજનીતિથી પ્રેરિત જણાવતા કેસ પરત લેવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.
ન્યાયમૂર્તિ એ.કે.સીકરી, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ અજય રસ્તોગીની પીઠે કહ્યું, અમે અપીલને મંજૂર કરીએ છીએ, દાખલ એફઆઈઆર રદ્દ કરવામાં આવે છે. અનુરાગ ઠાકુર, ધૂમલ અને હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશને રાજ્યના તત્કાલીન વીરભદ્ર સિંહ સરકારના શાસનકાળમાં તેમની વિરુદ્ધ દાખલ એફઆરઆઈ રદ્દ કરવાના ઈન્કાર કરનારા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.