કાર્ડિફઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલા ટી20 શ્રેણીનો બીજો મેચ શુક્રવારે રમાશે. પ્રથમ મેચમાં શાનદાર જીત મેળવનાર ટીમ ઈન્ડિયા આ મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને શ્રેણી પોતાના નામે કરવા માટે મેદાને ઉતરશે. પ્રથમ મેચમાં કુલદીપે  પાંચ વિકેટ ઝડપી હતી તો રાહુલે સદી ફટકારી હતી. ભારતીય ટીમે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા 8 વિકેટે જીત મેળવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ ટી20 ક્રિકેટમાં સતત છઠ્ઠી શ્રેણી જીતવાની નજીક છે. આ સિલસિલાની શરૂઆત નવેમ્બર 2017માં ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે શ્રેણી જીતીને થયો હતો. ત્યારબાદ ભારતે એકપણ દ્વિપક્ષીય શ્રેણી ગુમાવી નથી. ભારત આ શ્રેણી 2-0થી જીતે તો રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની નજીક પહોંચી જશે અને 3-0થી જીતે તો પાકિસ્તાન બાદ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી જશે. 


મશીનનો ઉપયોગ કરી રહી છે ઈંગ્લેન્ડ
ઈંગ્લેન્ડના બેટ્સમેનો માટે સૌથી મોટી ચિંતા ચાઇનામેન કુલદીપ યાદવની બોલિંગ હશે. પ્રથમ મેચમાં હાર બાદ કેપ્ટન ઇયોન મોર્ગન અને બેટ્સમેન જોસ બટલરે પોતાના ખેલાડીઓને સંયમ રાખવા અને બોલને સાવધાનીથી જોવાની અપીલ કરી હતી. ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ કુલદીપનો તોડ મેળવવા માટે મર્લિન મશીનથી પ્રેક્ટિસ કરી હતી. 


પ્રથમ મેચ જીત્યા બાદ કોહલી પોતાની ટીમ યથાવત રાખશે. પ્રથમ મેચમાં ભુવનેશ્વર કુમાર મોંઘો સાબિત થયો હતો. તો બીજીતરફ ઈંગ્લેન્ડ બેટ્સમેનો પણ બીજી મેચ જીતીને શ્રેણી સરભર કરવા માટે આતુર છે.