ફુટબોલઃ મેસીની 50મી હેટ્રિકથી જીત્યું બાર્સિલોના, સેવિલાને 4-2થી હરાવ્યું
મેસીએ મેચમાં દમદાર પ્રદર્શન કરતા ત્રણ ગોલ કર્યા અને એક આસિસ્ટ કર્યો હતો.
સેવિલેઃ આર્જેન્ટીનાના મહાન ફોરવર્ડ લિયોનેલ મેસીના કરિયરની 50મી હેટ્રિકની મદદથી એફસી બાર્સિલોનાએ શનિવારે રાત્રે અહીં સ્પેનિશ લીગના 25માં રાઉન્ડના મેચમાં સેવિલાને 4-2થી પરાજય આપ્યો હતો. મેસીએ મેચમાં દમદાર પ્રદર્શન કર્યું અને ત્રણ ગોલ કરવાની સાથે એક આસિસ્ટ પણ કર્યો હતો.
બીબીસી અનુસાર, આ શાનદાર જીત બાદ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી બાર્સિલોનાના 57 પોઈન્ટ થઈ ગયા છે જ્યારે આ સિઝનની શાનદાર શરૂઆત કરનારી સેવિલાની ટીમ હવે 37 પોઈન્ટ સાથે પાંચમાં સ્થાને છે.
પોતાના ઘરઆંગણે રમી રહેલી સેવિલાએ મેચની શરૂઆત શાનદાર કરી હતી. તેણે પહેલી મિનિટથી હાઈ-પ્રેસ કર્યું અને બાર્સિલોનાના ખેલાડીઓ પર દબાવ વધાર્યો હતો.
મેચની 22મી મિનિટમાં યજમાન ટીમે દમદાર એટેક કર્યો અને અનુભવી જીસસ નવાસે ગોલ કરતા ટીમને લીડ અપાવી હતી.
સેવિલાની આ લીડ વધુ સમય ન રહી. ચાર મિનિટ બાદ બાર્સિલોનાએ એટેક કર્યો અને મેસીએ 18 ગજના બોક્સની અંદરથી ધમાકેદાર વોલી લગાવતા સ્કોર 1-1 કરી દીધો હતો.
યજમાન ટીમ પ્રથમ હાફની સમાપ્તિ પહેલા ફરી લીડ મેળવવામાં સફળ રહી હતી. ગેબ્રિયલ મેરકાદોએ બાર્સિલોનાના ડિફેન્સને ભેદીને 42મી મિનિટે ગોલ કર્યો હતો.
બાર્સિલોનાએ બીજા હાફમાં વાપસી કરી અને મેસીએ શાનદાર ગોલ કર્યો હતો. તેણે 67મી મિનિટમાં બોક્સની પાસેથી પોતાના ડાબા પગનો ઉપયોગ કરતા બરોબરી કરી હતી.
ત્યારબાદ મહેમાન ટીમે મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી હતી. 85 મિનિટમાં બાર્સિલોનાએ એક શાનદાર મૂવ બનાવ્યો અને મેસીએ સેવિલાના ગોલકીપરને છકાવતા પોતાની હેટ્રિક પૂરી કરી.
ત્યારબાદ 93મી મિનિટમાં મેસીના શાનદાર પાસને સુઆરેજે ગોલ કરીને ટીમની જીત પાક્કી કરી હતી.