ODI World Cup 2023: ICC ODI વર્લ્ડ કપ 2023ની છેલ્લી 10 મેચોમાં શાનદાર બોલિંગ આક્રમણનું પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાના બોલરો ફાઇનલમાં સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે પોતાનીલાઇન લેન્થથી તમામ ટીમોને પરેશાન કર્યા હતા, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ મેચમાં દિશાહીન બોલિંગનું પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. બંને બોલરોને શરૂઆતની ઓવરોમાં વિકેટો મળી હોવા છતાં તેઓએ ઘણા રન ખર્ચ્યા હતા. આ કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ પર શરૂઆતથી જ ક્યારેય કોઈ દબાણ નહોતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝડપી બોલર બુમરાહે ઓસ્ટ્રેલિયાની ઈનિંગની પહેલી જ ઓવરમાં 15 રન આપ્યા હતા. જ્યારે, શરૂઆતમાં મોહમ્મદ શમીએ પણ એક ઓવરમાં 12 રન આપ્યા હતા. એકંદરે ભારતીય બોલરોની વાત કરીએ તો બુમરાહે 9 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. શમીએ 7 ઓવરમાં 47 રન આપીને 1 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજને ટ્રેવિસ હેડના રૂપમાં સફળતા મળી હતી જે નિરર્થક રહી હતી. ટ્રેવિસ હેડ 120 બોલમાં 137 રનની મેચ વિનિંગ ઇનિંગ રમીને આઉટ થયો હતો. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા ખાલી હાથ રહ્યા હતા.


ટ્રેવિસ હેડની સદી અને લેબુશેનની ફિફ્ટીએ અપાવ્યો વિજય
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 6 વિકેટે જીત મેળવી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડબ્રેક છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ટ્રેવિસ હેડે સદી ફટકારી અને માર્નસ લાબુશેનની ફિફ્ટીથી ઓસ્ટ્રેલિયાને આસાન વિજય અપાવ્યો હતો. 241 રનના લક્ષ્યાંકનો પીછો કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી. જસપ્રીત બુમરાહે મિશેલ માર્શ અને સ્ટીવ સ્મિથની વિકેટ લીધી હતી, જ્યારે મોહમ્મદ શમીએ ડેવિડ વોર્નરની વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને 47/3 સુધી પહોંચાડ્યું હતું.


ભારતે 10 વિકેટ ગુમાવીને બનાવ્યા હતા 240 રન 
આ પહેલા પેટ કમિન્સે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારત સ્કોરબોર્ડ પર 240 રન બનાવવામાં સફળ રહ્યું હતું. ભારત માટે કેએલ રાહુલે ધીરજપૂર્વક 107 બોલમાં 66 રન બનાવ્યા, જ્યારે વિરાટ કોહલીએ પણ પોતાની અડધી સદી પૂરી કરી. પાંચ બોલના ગાળામાં રોહિત શર્મા અને શ્રેયસ અય્યરની વિકેટ ગુમાવ્યા બાદ યજમાન ટીમે 81-3નો સ્કોર કર્યો હતો, ત્યારબાદ કોહલી અને રાહુલે ભારતને કાબૂમાં લીધું હતું. રોહિત શર્મા રન રેટ વધારવાના પ્રયાસમાં 47 રન બનાવીને આઉટ થયો હતો.