આ મહાન સ્પિનરે વિશ્વકપમાં ધોની માટે કરી મોટી વાત, ટીકાકારોને લગાવી ફટકાર
શેન વોર્ને કહ્યું કે, ધોની વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે જે કોઈપણ ક્રમ પર બેટિંગ કરવા સક્ષમ છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન સ્પિનર શેન વોર્ને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને મહત્વની વાત કરી છે. મહત્વનું છે કે, 30 મેથી વિશ્વકપનો પ્રારંભ થવાનો છે અને તેવામાં વિશ્વભરના ખેલાડીઓ અને ટીમો માટે પ્રતિક્રિયાઓ આવવાનું શરૂ થઈ ગયું છે. આ પૂર્વ બોલરે ધોનીની આલોચકોને ફટકાર લગાવી છે. શેન વોર્ન મંગળવારે પોતાની આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સ તરફથી આયોજીત પત્રકાર પરિષદમાં બોલી રહ્યો હતો, તેમાં તેણે ઘણા મુદ્દે પોતાની વાત રાખી હતી.
શેન વોર્ને સ્વીકાર્યું કે, ધોની વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે જે કોઈપણ ક્રમે બેટિંગ કરવા સક્ષમ છે. વોર્ને કહ્યું કે, તે એક મહાન ખેલાડી છે અને ટીમની જરૂરીયાત પ્રમામે તે કોઈપણ ક્રમે બેટિંગ કરી શકે છે. વોર્ને કહ્યું કે, ધોનીની કોઈપણ પરિસ્થિતિમાં પોતાને સેટ કરવાની ક્ષમતા તેને બીજા કરતા અલગ બનાવે છે. શેન વોર્ને ધોનીના ટીકાકારોને જવાબ આપતા કહ્યું કે, તેની આલોચના કરતા પહેલા દરેક વ્યક્તિએ એકવાર જરૂર તે વાત વિચારવી જોઈએ કે તમે કઈ વ્યક્તિ વિશે આવી વાત કરી રહ્યાં છે અને ક્રિકેટ જગતમાં તેનું શું યોગદાન છે.
વોર્ને કહ્યું કે, જ્યારે તમે મેદાનમાં હોવ છે અને તમામ વસ્તુ તમારા પ્લાન પ્રમાણે થાય છે તો ગમે તેના માટે આગેવાની કરવી આસાન હોય છે, પરંતુ જ્યારે તેનીથી વિપરીત પરિસ્થિતિમાં તમારા વિચારથી અલગ બોય અને મેદાનમાં તે દરેક વસ્તુ થાય જે તમે વિચારી ન હોય ત્યારે અનુભવની જરૂર હોય છે, જે ધોનીની અંદર છે. તેણે કહ્યું કે, કોઈ શંકા વિના વિરાટ શાનદાર કેપ્ટન છે, પરંતુ ઘણી તકે તેને ધોનીના અનુભવની જરૂર પડે છે. આ પૂર્વ સ્પિનરે કહ્યું કે, વિશ્વકપ મેચો દરમિયાન કોહલીની સાથે ધોનીનો અનુભવ નિર્ણાયક સાબિત થશે. ઉલ્લેખનીય છે કે શેન વોર્ન રાજસ્થાન રોયલ્સના બ્રાન્ડ એમ્બેસેડર છે અને આ પૂર્વ તે ટીમના કોચ રહી ચુક્યા છે.