કેચ પ્રેક્ટિસ દરમિયાન ફાટ્યું શોન પોલોકનું પેન્ટ, જુઓ વીડિયો
પેન્ટ ફાટવાનો ખ્યાલ આવતા પોલોકે હાથેથી પાછળનો ભાગ ઢાંક્યો, પછી તે મેદાનની બહાર પેન્ટ ચેન્જ કરવા માટે ગયો હતો.
નવી દિલ્હીઃ ક્રિકેટ મેચ દરમિયાન ઘણીવાર ખેલથી અલગ એવી ઘટનાઓ બને છે, જે લોકોનું ધ્યાન ખેંચી લે છે. આવી જ એક ઘટના દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં જોવા મળી હતી. સેન્ચુરિયનમાં રમાયેલી મેચમાં બ્રેક દરમિયાન પૂર્વ ક્રિકેટર એક્સપર્ટના રૂપમાં મેચ પર વાત કરી રહ્યાં હતા. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન શોન પોલોક સ્લિપમાં કેચ ઝડપવાની રીત જણાવી રહ્યાં હતા. પોલોક કેચ ઝડપવા માટે જ્યારે નીચે નમ્યો તો તેનું પેન્ટ ફાટી ગયું. પોલોકની બાજુમાં દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ હાજર હતો.
પેન્ટ ફાટવાનો ખ્યાલ આવતા પોલોકે પોતાના હાથથી પાછળનો ભાગ ઢાંકી દીધો હતો. ત્યારબાદ તે મેદાનની બહાર નીકળીને પેન્ટ ચેન્જ કરવા માટે ચાલ્યો ગયો હતો. રસપ્રદ વાત તે છે કે, જ્યારે પોલોકની સાથે આ ઘટના ઘટી ત્યારે ટીવી ચેનલ તેનું લાઇવ પ્રસારણ કરી રહ્યું હતું.
આ ઘટનાક્રમ જોઈને ત્યાં હાજર બીજા ક્રિકેટર અને ગ્રાઉન્ડ સ્ટાફના લોકો હસવા લાગ્યા. તો પોલોક શરમાઇ ગયો હતો. તસ્વીરમાં દેખાઈ રહ્યું છે કે, પેન્ટ પાછળથી ઘણું ફાટી ગયું છે. ચેજિંગ રૂમ તરફથી મળેલા પાયજામા માટે તેણે આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે તેણે પાયજામા સાથે તસ્વીર પણ શેર કરી છે.
મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને છ વિકેટે હરાવી દીધું છે. મેચની પ્રથમ ઈનિંગમાં પાકિસ્તાને 181 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 223 રને સમેટાઇ ગયો હતો. તો પાકિસ્તાન બીજી ઈનિંગમાં 190 રને ઓલઆઉટ થઈ જતા આફ્રિકાને જીતવા માટે 149 રનનો લક્ષ્ય મળ્યો હતો. આફ્રિકાએ ચાર વિકેટે આ લક્ષ્યને હાસિલ કરીને છ વિકેટે મેચ જીતી લીધી હતી.