નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓપનિંગ બેટર શિખર ધવન 1 વર્ષ કરતા વધુ સમયથી ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. પરંતુ તે એક સમયે ટીમ ઈન્ડિયાનો મહત્વનો ખેલાડી હતો. તેણે ખાસ કરીને પોતાનો જોડીદાર રોહિત શર્માની સાથે હજારો રન બનાવ્યા છે. વનડેમાં 2013થી 2022 સુધી શિખર ધવન અને રોહિત શર્માએ ભારત માટે ઈનિંગની શરૂઆત કરતા 5148 રન ફટકાર્યા છે. તો હવે ટીમમાંથી બહાર ચાલી રહેલા શિખર ધવને પોતાના જોડીદાર અને કેપ્ટન રોહિત શર્માની ખુબ પ્રશંસા કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિખર ધવને રોહિતની કરી પ્રશંસા
અનુભવી બેટર શિખર ધવને ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતા રોહિતની ખુબ પ્રશંસા કરી છે. તેણે કહ્યું- રોહિતની સાથે મારો સહયોગ અને ટોપ ક્રમમા બીજા છેડા પર તેનું સમર્થન ટીમને મજબૂત શરૂઆત પ્રદાન કરવા, સફળ ચેઝ કરવા અને મોટા સ્કોરનો પાયો નાખવામાં મહત્વપૂર્ણ રહ્યું છે. હું મારા સારા પ્રદર્શનનો શ્રેય રોહિતના સમર્થનને આપુ છું.


આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યા માટે ખતરાની ઘંટડી વાગી, ટીમ ઈન્ડિયામાં વાપસીનો રસ્તો મુશ્કેલ બન્યો


રોહિત અને પોતાની બેસ્ટ ભાગીદારીને કરી યાદ
શિખરે આગળ પોતાના નિવેદનમાં ખુલાસો કરતા જણાવ્યું કે તેની અને રોહિતની કઈ ભાગીદારી બેસ્ટ લાગે છે. તેણે કહ્યું- બીજા છેડા પર રોહિત કમ્ફર્ટ અને આશ્વાસન આપે છે. મને લાગે છે કે અમારી સર્વશ્રેષ્ઠ ઈનિંગ 2019માં મોહાલી વનડેમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 193 રનની ભાગીદારી કરી હતી. બીજી સર્વશ્રેષ્ઠ ભાગીદારી દુબઈમાં 2018માં એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ હતી, જ્યાં અમે પ્રથમ વિકેટ માટે 210 રનની ભાગીદારી કરી હતી.


ભારતીય ટીમ માટે શિખર ધવનનું યોગદાન
38 વર્ષના શિખર ધવને ભારત માટે અત્યાર સુધી કુલ 34 ટેસ્ટ, 167 વનડે અને 68 ટી20 મેચ રમી છે. ગબ્બરના નામે ટેસ્ટમાં 2315, વનડેમાં 6793 અને ટી20માં 1759 રન છે. તેણે ટેસ્ટમાં 7 સદી અને 5 અડધી સદી, વનડેમાં 17 સદી અને 39 અડધી સદી જ્યારે ટી20માં 11 અડધી સદી ફટકારી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube