નવી દિલ્હી: જોધપુરની કોર્ટ દ્વારા 1998માં કાળિયારના શિકાર કેસમાં ગુરુવારે સલમાન ખાનને દોષિત ગણાવીને 5 વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી. સલમાનની સજા પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફના નિવેદન બાદ હવે પૂર્વ ક્રિકેટર અને ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સલમાનની સજા પર પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે સલમાન ખાન અને તેના પરિવારને પોતાનું સમર્થન વ્યક્ત કર્યુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોએબ અખ્તરે પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને લખ્યું કે આ સાંભળીને ખુબ ખરાબ લાગ્યું કે મારા મિત્ર સલમાન ખાનને 5 વર્ષની સજા થઈ. પરંતુ કાયદો પોતાનો કામ કરે છે અને આપણે ભારતની સન્માનીય કોર્ટના નિર્ણયનું સન્માન કરવું જોઈએ. પરંતુ મને હજુ પણ લાગે છે કે તેમના માટે આ સજા થોડી આકરી છે. મારી તેમના અને અને તેમના પરિવાર પ્રતિ ખુબ સહાનુભૂતિ છે. તેઓ બહુ જલદી આ કપરાં સમયમાંથી બહાર આવશે.


આ અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આપ્યું હતું નિવેદન
સલમાન ખાનને થયેલી સજા પર પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સલમાન ખાન અલ્પસંખ્યક હોવાના કારણે સજા થઈ છે. એટલું જ નહીં, તેમણે દાવો કર્યો કે જો સલમાનનો સંબંધ સત્તાધારી પક્ષ સાથે હોત તો તેને ઓછી સજા મળત.



1998નો મામલો છે
1998માં જોધપુરમાં સુરજ બડજાત્યાની ફિલ્મ હમ સાથ સાથ હૈના શુટિંગ દરમિયાન સલમાન ખાન પહેલીવાર મુશ્કેલીમાં આવ્યો. પ્રોસિક્યુશને કહ્યું કે સલમાન ખાન અને ફિલ્મમાં તેના સાથી કલાકારો તબ્બુ, સૈફ અલી ખાન, નીલમ અને સોનાલી બેન્દ્રે કથિત રીતે જિપ્સીમાં બહાર ફરવા નીકળ્યા હતાં. સલમાન ગાડી ચલાવી રહ્યો હતો અને ત્યારે જ તેમણે કાળિયારનું એક ઝૂંડ જોયું. ઝૂંડમાંથી બે કાળિયાર પર ગોળી ચલાવીને તેમને મારી નાખ્યા હતાં. ચાર અન્ય કલાકારોને જોધપુરની કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા. જ્યારે સલમાન ખાનને કોર્ટમાથી જોધપુરની સેન્ટ્રલ જેલમાં લઈ જવાયો. આ અગાઉ 1998, 2006 અને 2007માં તે શિકારના કેસોમાં કુલ 18 દિવસ જેલમાં વિતાવી ચૂક્યો છે.


સલમાન ખાનની ખુબ થઈ હતી ટીકાઓ
26/11ના મુંબઈ આતંકી હુમલા અંગે સલમાન ખાને આપેલા નિવેદનની ખુબ ટીકાઓ થઈ હતી. એક પાકિસ્તાની ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સલમાને દાવો કર્યો હતો કે આ હુમલામાં 'કુલીન લોકો'ને 'ટારગેટ કરવામાં આવ્યાં હતાં એટલે આટલો ચગાવવામાં આવ્યો હતો.