પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્ટો મોટો ઝટકો, બહાર થઈ ગયો આ સ્ટાર બેટર
IND vs AUS: ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ શરૂ થતાં પહેલા મોટો ઝટકો લાગ્યો છે, જેમાં પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાનાર સિરીઝની પ્રથમ મેચમાંથી ગિલ બહાર થઈ ગયો છે.
પર્થઃ ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત પહેલા જ ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે જેમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ પર્થમાં યોજાનારી આ શ્રેણીની પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો છે. ટીમ ઈન્ડિયા કેપ્ટન રોહિત શર્મા વગર ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે જ્યાં તે પર્થમાં પ્રેક્ટિસ કરી રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા ત્રણ દિવસીય ઈન્ટ્રા-સ્કવોડ મેચ પણ રમી રહી છે, રમતના બીજા દિવસે સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહેલા શુભમન ગિલના ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ હતી, જેના પછી તે તરત જ મેદાનની બહાર નીકળી ગયો હતો.
ભારત માટે ખરાબ સમાચાર
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 22 નવેમ્બરે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમવાની છે, જેમાં કેપ્ટન રોહિત શર્મા માટે રમવું લગભગ મુશ્કેલ છે. તે જ સમયે, શુભમન ગિલની બહાર થવું પણ ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ક્રિકબઝ સમાચાર અનુસાર, કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે ગિલને સ્લિપમાં ફિલ્ડિંગ કરતી વખતે તેના ડાબા અંગૂઠામાં ઈજા થઈ હતી. આ પછી, જ્યારે તેની ઈજાને સ્કેન કરવામાં આવી ત્યારે તે ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું, જેના કારણે ગિલ પ્રથમ ટેસ્ટ મેચ સુધી સંપૂર્ણ રીતે ફિટ થઈ શકશે નહીં. જોકે, ટીમ મેનેજમેન્ટ તરફથી હજુ સુધી ગિલના બહાર થવા પર કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ પહેલા ઈન્ટ્રા સ્કવોડ મેચના પહેલા દિવસે કેએલ રાહુલ પણ બેટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેણે બીજા દિવસની રમતમાં ફિલ્ડિંગ કરતી વખતે પણ મેદાનમાં ઉતર્યો ન હતો, જોકે તેની ઈજા બહુ ગંભીર નથી.
આ પણ વાંચોઃ Ind vs Aus Test: રોહિત શર્મા અને શમી ક્યારે જશે ઓસ્ટ્રેલિયા? થઈ ગયો ખુલાસો
અભિમન્યુ ઈશ્વરનને મળી શકે છે તક
શુભમન ગિલના બહાર થયા બાદ અને રોહિત શર્માની ગેરહાજરીને જોતાં પર્થ ટેસ્ટમાં યશસ્વી જાયસવાલ સાથે અભિમન્યુ ઈશ્વરન ઈનિંગની શરૂઆત કરી શકે છે. આ સિવાય ત્રીજા નંબર પણ તેને તક આપવામાં આવી શકે છે. જો કેએલ રાહુલ ઓપનિંગ કરે તો ઈશ્વરન ત્રીજા ક્રમે રમી શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ ખુબ મહત્વની સિરીઝ પહેલા ભારતીય ટીમની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે જોવાનું તે રહેશે કે ટીમ મેનેજમેન્ટ કયા નિર્ણયો લે છે.