રાંચીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ પર આતંકી હુમલાનો ખતરો ઉભો થયો છે. શીખ ફોર જસ્ટિસ સંગઠનના આતંકી ગુરૂપતવંત સિંહ પન્નુએ રાંચીમાં રમાનારી ચોથી ટેસ્ટને રદ્દ કરાવવાની ધમકી આપી છે. તેમાં ઈંગ્લેન્ડ ટીમને પરત જવા માટે કહેવામાં આવ્યું છે. ખાલિસ્તાની આતંકીએ ધમકીભર્યો વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો છે. તેને લઈને ઝારખંડ પોલીસે મંગળવારે એફઆઈઆર દાખલ કરી છે. પોતાના વીડિયોમાં પન્નુએ પ્રતિબંધિત સંગઠન સીપીઆઈ (માઓવાદી) ને અપીલ પણ કરી છે. તેના સંગઠનને કહેવામાં આવ્યું કે મેચ રદ્દ કરાવવા માટે વિઘ્નો પેદા કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાંચીમાં રમાશે ચોથી ટેસ્ટ
મહત્વનું છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાવાની છે. આ મેચ ઝારખંડની રાજધાની રાંચી સ્થિત જેએસસીએ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં રમાશે. હટિયાના ડીએસપી પીકે મિશ્રાએ પત્રકારોને જણાવ્યું કે પન્નુ વિરુદ્ધ ધુર્વા પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ સિવાય ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે સુરક્ષા વધારી દેવામાં આવી છે. 


આ પણ વાંચોઃ IPL 2024 ની આ તારીખથી થશે શરૂઆત, માત્ર 15 દિવસના કાર્યક્રમની થશે જાહેરાત


પન્નુનો વીડિયો આવ્યો સામે
વીડિયોમાં પન્નુએ ભાકપા માઓવાદીઓને ઉશ્કેર્યા છે અને કહ્યું કે આદિવાસીઓની ધરતી પર ક્રિકેટ ન થવા દે. તેમણે કહ્યું કે એવી હલચલ પેદા કરો જેનાથી ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને અંગ્રેજ કેપ્ટન બેન સ્ટોક્સ મેચ ન રમી શકે. પોલીસ પ્રમાણે ઉચ્ચાધિકારી પણ મામલા પર નજર રાખી રહ્યાં છે. નોંધનીય છે કે એસજેએફ આતંકી પન્નુ તાજેતરમાં ઘણીવખત ભારતને ધમકીઓ આપી ચુક્યો છે. થોડા સમય પહેલા તેણે એર ઈન્ડિયાના વિમાનને ઉડાવવાની ધમકી આપી હતી.