ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય બેટ્સમેનો પર રહેશે જવાબદારીઃ સૌરવ ગાંગુલી
ગાંગુલીએ કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે એક ઈનિંગમાં 400 રન બનાવવા જરૂરી છે.
કોલકત્તાઃ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટની આગામી શ્રેણીમાં ભારતની આશાનો ભાર બેટ્સમેનો પર રહેશે. ભારતે ટી-20 શ્રેણી જીતી હતી તો વનડે શ્રેણીમાં પરાજય થયો હતો.
ગાંગુલીએ કહ્યું કે ટેસ્ટ ક્રિકેટમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે એક ઈનિંગમાં 400 રન બનાવવા જરૂરી છે. પ્રથમ ઈનિંગમાં 400 રન બનાવવા પર તે જીતી જશે. તેમણે કહ્યું કે, ભારત પાસે તક છે. ભારતીય ટીમ સારી છે અને સારી બેટિંગ કરવા પર જરૂર જીતશે.
ગાંગુલીએ આશા વ્યક્ત કરી કે ખરાબ ફોર્મમાં રહેલો ધોની એશિયા કપમાં સારૂ પ્રદર્શન કરસે. તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે તે રન જરૂર બનાવશે.
મહત્વનું છે કે, ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસે ટેસ્ટ શ્રેણી એક સપ્તાહ બાદ શરૂ થવાની છે. ટી-20 અને વનડે શ્રેણી પૂરી થઈ ગઈ છે જેમાં ભારતે ટી20માં જીત મેળવી તો ઈંગ્લેન્ડે ભારતને 2-1થી પરાજય આપ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ અને સૌથી સફળ કેપ્ટન રહેલા ગાંગુલીએ પોતાના ગત નિવેદનથી પલટતા કહ્યું કે કેએલ રાહુલને હવે ચોથા નંબરે બેટિંગ કરાવવી જોઈએ.
સૌરવ ગાંગુલીએ 1992માં પ્રથમ વનડે રમી જ્યારે પ્રથમ ટેસ્ટ તેણે 1996માં રમી હતી જે ઈંગ્લેન્ડ વિરુદ્ધ હતી. સૌરવ તેની બેટિંગ કરતા કેપ્ટનશિપ માટે જાણીતો છે. 2000માં તેણે ટીમની કમાન સંભાળી હતી. દાદાને ટીમ ઈન્ડિયામાં નવો જોશ ભરવા માટે ઓળખવામાં આવે છે. સૌરવની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ વિદેશી પ્રવાસમાં સફળતા મેળવવાનું શરૂ કર્યું હતું. તેમની આગેવાનીમાં ટીમ વર્ષ 2003ના વિશ્વકપના ફાઇનલમાં પહોંચી હતી. સૌરવે પોતાની અંતિમ વનડે મેચ 2007માં અને અંતિમ ટેસ્ટ મેચ 2008માં રમી હતી.