T20 World Cup: સાઉથ આફ્રિકાની જીતમાં વરસાદ બન્યો વિલન, ઝિમ્બાબ્વે સામેની મેચ રદ્દ
ઝિમ્બાબ્વેની ટીમને સાઉથ આફ્રિકાની ટીમ ટી20 વિશ્વકપ 2022ના મુકાબલામાં સરળતાથી હરાવી દેત, પરંતુ સતત પડી રહેલા વરસાદને કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી.
હોબાર્ટઃ સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ટી20 વિશ્વકપ 2022નો સુપર-12ના ગ્રુપ 2નો મુકાબલો રમાયો, જેમાં શરૂઆતથી જ વરસાદે રમત બગાડવાનું શરૂ કરી દીધુ છે. 20-20 ઓવરની આ મેચ પહેલા જ 9-9 ઓવરની કરી દેવામાં આવી હતી. ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતા 9 ઓવરમાં 79 રન બનાવ્યા હતા. પરંતુ આફ્રિકાની ઈનિંગની બીજી ઓવર બાદ ફરી વરસાદ શરૂ થયો હતો.
આફ્રિકાની ઈનિંગ શરૂ થઈ ત્યારે થોડો વરસાદ હતો, પરંતુ બીજી ઓવરમાં ભારે વરસાદને કારણે મેચ રોકવામાં આવી હતી. ત્યારબાદ મેચ 7 ઓવરની કરી દેવામાં આવી અને આફ્રિકાને 64 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. આફ્રિકાએ 3 ઓવરમાં 51 રન બનાવ્યા હતા અને ફરી વરસાદ આવ્યો હતો.
ત્રીજી ઓવર બાદ ભારે વરસાદ શરૂ થયો અને 8 મિનિટ સુધી રોકાયો નહીં તો અમ્પાયરોએ મેચ કેન્સલ કરવાની ફરજ પડી હતી. મેચ કેન્સલ થતાં બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યો છે. મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે 9 ઓવરમાં 79 રન બનાવ્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમે પ્રથમ ઓવરમાં 23 રન ફટકારી આક્રમક શરૂઆત કરી હતી.
સાઉથ આફ્રિકાને જરૂર એક પોઈન્ટનો ફટકો પડ્યો છે, કારણ કે 7 ઓવરની મેચને જીતવા માટે તેને 24 બોલમાં માત્ર 13 રનની જરૂર હતી. જે રીતે ડિકોક બેટિંગ કરી રહ્યો હતો. તેને જોતા માત્ર બે-ચાર બોલમાં પરિણામ આવી શકતું હતું. પરંતુ આફ્રિકાની ટીમ નિરાશ થઈ છે. બંને ટીમોએ એક-એક પોઈન્ટથી સંતોષ કરવો પડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube