IND vs SA: સંજૂ સેમસનની શાનદાર ઈનિંગ પાણીમાં, રોમાંચક મેચમાં આફ્રિકાનો 9 રને વિજય
IND vs SA: લખનઉમાં રમાયેલી પ્રથમ વનડેમાં સાઉથ આફ્રિકાએ 9 રને જીત મેળવી ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે સિરીઝની બીજી મેચ રાંચીમાં રમાશે.
લખનઉઃ લખનઉમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે 9 રને હારનો સામનો કરવો પડ્યો છે. વરસાદને કારણે મેચ 40-40 ઓવરની કરવામાં આવી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ ડેવિડ મિલર અને હેનરિક ક્લાસેનની અડધી સદીની મદદથી 40 ઓવરમાં 4 વિકેટે 249 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 40 ઓવરમાં 8 વિકેટે 240 રન બનાવી શકી હતી. ભારત તરફથી સંજૂ સેમસન અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી.
ડિ કોક અને જાનેમન વચ્ચે પ્રથમ વિકે માટે 49 રનની ભાગીદારી થઈ હતી. મલાન 42 બોલમાં 22 રન બનાવી શાર્દુલનો શિકાર બન્યો હતો. કેપ્ટન ટેમ્બા બાવુમા 12 બોલમાં 8 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ કુલદીપ યાદવના શાનદાર બોલ પર એડન માર્કરમ ક્લીન બોલ્ડ થયો હતો. માર્કરમ ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. ડિ કોક 54 બોલમાં 48 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરે પાંચમી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. ડેવિડ મિલર 63 બોલમાં 75 રન અને ક્લાસેન 65 બોલમાં 74 રન બનાવી અણનમ રહ્યો હતો. બંને વચ્ચે 106 બોલમાં 139 રનની ભાગીદારી થઈ હતી.
આફ્રિકાએ આપેલા 250 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. શિખર ધવન અને શુભમન ગિલ સસ્તામાં આઉટ થયા હતા. ભારતે 8 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. રુતુરાજ ગાયકવાડ 42 બોલમાં 19 રન બનાવી આઉટ થયો હતો. તો ઈશાન કિશન 20 રન બનાવી આઉટ થયો હતો. ભારતે 51 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
શ્રેયસ અય્યર અને સંજૂ સેમસને ભારત માટે શાનદાર બેટિંગ કરી હતી. સેમસન અને અય્યરે અડધી સદી ફટકારી હતી. અય્યર 37 બોલમાં 8 ચોગ્ગા સાથે 50 રન બનાવી આઉટ થયો હતો. તો સંજૂ સેમસને 63 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 86 રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુર 31 રન બનાવી આઉટ થયો હતો. આફ્રિકા તરફથી એનગિડીએ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય રબાડાને બે, કેશવ મહારાજ, પાર્નેલ અને શમ્સીને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube