સેન્ચુરિયનઃ સાઉથ આફ્રિકાએ ઈજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યાથી સંઘર્ષ કરી રહેલા શ્રીલંકાને પ્રથમ ટેસ્ટ મેચમાં મંગળવારે અહીં ઈનિંગ અને 45 રનથી પરાજય આપી બે મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શ્રીલંકાના પાંચ ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે જેમાં ધનંજય ડિસિલ્વા બીજી ઈનિંગમાં બેટિંગ માટે પણ ન આવી શક્યો. શ્રીલંકાની ટીમ પોતાની બીજી ઈનિંગમાં ચોથા દિવસે લંચ બાદ 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે અને આ રીતે સાઉથ આફ્રિકાને 60 પોઈન્ટ મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકા તરફથી કુસાલ પરેરા (64) અને પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા વાહિંદુ હસરંગા (59)એ આક્રમક અંદાજમાં બેટિંગ કરી અડધી સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકા માટે લુંગી એન્ગિડી, એનરિક નોર્ત્જે, વિયાન મુલ્ડેર અને લુથો સિપામ્લાએ બે-બે વિકેટ ઝડપી હતી. શ્રીલંકાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 396 રન બનાવી સારી શરૂઆત કરી હતી, પરંતુ સાઉથ આફ્રિકાએ તેના જવાબમાં ડુ પ્લેસિસના 199 રનની મદદથી 621 રનનો વિશાળ સ્કોર બનાવી 225 રનની લીડ મેળવી હતી. 


આ પણ વાંચોઃ AUSvsIND: હાર બાદ ઓસ્ટ્રેલિયાને વધુ એક ઝટકો, ICCએ ફટકાર્યો મોટો દંડ  


આ મેચમાં શ્રીલંકાના પાંચ ખેલાડી ઈજાગ્રસ્ત થયા
ઓલરાઉન્ડર ધનંજય ડિસિલ્વા પ્રથમ ઈનિંગમાં 79 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. ફાસ્ટ બોલર કારુન રજિતા માત્ર 2.1 ઓવર ફેંકી શક્યો. આ સિવાય દિનેશ ચંદીમલ, લાહિરૂ કુમારા અને હસરંગા પણ ઈજાગ્રસ્ત થયા હતા. શ્રીલંકાએ સવારે બે વિકેટ પર 64 રનથી આગળ રમવાનું શરૂ કર્યું તથા નવ ઓવરની અંદર ચંડીમલ (25) અને નિરોશન ડિકવેલા (10) તથા પરેરાની વિકેટ ગુમાવી દીધી હતી.


ત્યારબાદ દાસુન શનાકા (6) અને વિશ્વ ફર્નાન્ડો (0) પણ લંચ પહેલા આઉટ થઈ ગયા હતા. વિયાન મુલ્ડરે તેમાંથી બે વિકેટ ઝડપી હતી. તેણે ઈજાગ્રસ્ત ચંડીમલને બોલ્ડ કર્યો અને વિકવેલાને વિકેટની પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. પરેરાએ પોતાની ઈનિંગમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા. હસરંગાને દોડવામાં મુશ્કેલી થઈ રહી હતી તેથી તેણે મોટા શોટ્સ ફટકાર્યા હતા. પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલા હસરંગાએ 53 બોલની ઈનિંગમાં 12 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. બીજી ટેસ્ટ મેચ ત્રણ જાન્યુઆરીથી જોહનિસબર્ગમાં રમાશે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube