ગોલ (શ્રીલંકા): દિલરૂવાન પરેરા (32 રનમાં 6 વિકેટ) અને રંગાના હેરાથ (38 રનમાં ત્રણ વિકેટ)ની ઘાતક બોલિંગની મદદથી શ્રીલંકાએ પ્રથમ મેચમાં ત્રીજા દિવસે શનિવારે દક્ષિણ આફ્રિકાને 278 રનના વિશાળ અંતરથી હરાવીને ત્રણ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી. શ્રીલંકાએ મેચના ત્રીજા દિવસે શનિવારે ચાર વિકેટ પર 111 રનથી આગળ રમવાનું શરૂ કરતા 190 રન બનાવ્યા અને 351 રનની લીડ મેળવી, જેના જવાબમાં આફ્રિકાની ટીમ 73 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ આફ્રિકાનો ટેસ્ટની બીજી ઈનિંગમાં આ અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. શ્રીલંકાએ પ્રથમ ઈનિંગમાં 287 જ્યારે આફ્રિકાએ પ્રથમ દાવમાં 126 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા માટે બીજી ઈનિંગમાં માત્ર ત્રણ બેટ્સમેનો બે અંકના સ્કોર પર પહોંચ્યા હતા. વર્નોન ફિલાન્ડરે 38 બોવમાં બે ચોગ્ગાની મદદથી સૌથી વધુ અણનમ 22 રન બનાવ્યા. એડન માર્કરામે 19 અને ડી કોકે 10 રનનું યોગદાન આપ્યું હતું. 


શ્રીલંકા તરફથી પરેરા અને હેરાથ સિવાય લક્ષ્મણ સંદકાનાને એક વિકેટ મળી. આ પહેલા શ્રીલંકાની ટીમે સવારે ચાર વિકેટ પર 111 રનથી આગળ રમતા 190 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. યજમાન ટીમ માટે દિમુથ કરૂણારત્ને 60, મેથ્યૂસ 35, કેપ્ટન સુરંગા લકમલે અણનમ 33 અને દાનુષ્કા ગુણાતિલકેએ 17 રનનું યોગદાન આપ્યું હતું. 


સાઉથ આફ્રિકા તરફથી કેશવ મહારાજે 58 રનમાં ચાર વિકેટ અને કાગિસો રબાડાએ 44 રનમાં ત્રણ વિકેટ ઝડપી. ડેલ સ્ટેન અને તબરેજ શમસીને એક-એક સફળતા મળી હતી. સ્ટેને આ વિકેટની સાથે દક્ષિણ આફ્રિકા માટે ટેસ્ટમાં સર્વાધિક વિકેટ લેનાર શોન પોલોકના રેકોર્ડની બરોબરી કરી હતી. સ્ટેનન હવે 421 વિકેટ થઈ ગઈ છે.