મુંબઈઃ સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશને મંગળવારે રાત્રે 149 રને હરાવતા પોતાની સેમીફાઈનલમાં પહોંચવાની આશા મજબૂત કરી લીધી છે. આ વિશ્વકપ 2023ના પાંચ મુકાબલામાં સાઉથ આફ્રિકાની ચોથી જીત હતી. આ સાથે તે પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડને ખસેડી ભારત બાદ બીજા સ્થાને પહોંચી ગઈ છે. ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા આફ્રિકાએ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ક્વિંટન ડિકોકની સદી અને હેનરિક ક્લાસેનની તોફાની ઈનિંગની મદદથી પાંચ વિકેટ પર 382 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 233 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ માટે મહમુદૂલ્લાહે (111 રન) શાનદાર સદી ફટકારી હતી. આફ્રિકા માટે યાન્સેને બે વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિકોક-ક્લાસેન રહ્યાં જીતના હીરો
ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાની શરૂઆત ખરાબ રહી અને તેણે રીઝા હેંડરિક્સ (12) અને રાસી વાન ડેર ડુસેન (1) ની વિકેટ જલ્દી ગુમાવી દીધી હતી. 36-2 ના સ્કોરથી ડિકોકે ટીમને સંભાળી તે 140 બોલમાં 174 રન બનાવી આઉટ થયો હતો. ડિકોકની આ વિશ્વકપમાં ત્રીજી સદી છે. તેણે ઈનિંગમાં 15 ચોગ્ગા અને સાત સિક્સ ફટકારી હતી. કેપ્ટન એડન માર્કરમ (60 રન) સાથે ડિકોકે ત્રીજી વિકેટ માટે 131 રનની ભાગીદારી કરી હતી. ડિકોકે ત્યારબાદ ક્લાસેન સાથે ચોથી વિકેટ માટે માત્ર 87 બોલમાં 142 રન જોડ્યા હતા. ક્લાસેન માત્ર 49 બોલમાં 90 રન ફટકારી આઉટ થયો હતો. તેણે બે ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. ક્લાસેને ડેવિડ મિલર (15 બોલમાં અણનમ 34 રન) ની સાથે માત્ર 25 બોલમાં 65 રનની ભાગીદારી કરી હતી. દક્ષિણ આફ્રિકાએ અંતિમ 10 ઓવરમાં 144 રન ફટકાર્યા હતા. 


મોટી જીત છતાં પરેશાન હશે આફ્રિકા
બેટરો બાદ આફ્રિકાના બોલરોએ શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ ક્લાઇમેક્સ તેના પક્ષમાં ગયો નહીં. માર્કો યાન્સેને સાતમી ઓવરમાં સતત બે બોલ પર બે વિકેટ ઝડપી બાંગ્લાદેશની શરૂઆત બગાડી દીધી હતી. ત્યારબાદ કોઈ બેટર ટકી શક્યો નહીં. શાકિબ-અલ હસન, મુશ્ફીકુર રહીમ અને મેહદી હસન મિરાઝે નિરાશ કર્યાં હતા. છઠ્ઠા ક્રમે આવેલા મહમૂદુલ્લાહે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. બાંગ્લાદેશે જલ્દી છ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ નિચલા ક્રમના બેટરો સાથે મહમૂદુલ્લાહની ભાગીદારીની મદદથી ટીમ 200 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી.