IINDvsSA: મેચ તો જીતી ગયા પરંતુ કરી એવી ભૂલ, આફ્રિકી ટીમને થયો દંડ
દક્ષિણ આફ્રિકાએ ભારતને સેન્ચ્યુરિયન ટેસ્ટમાં હરાવીને ભારત વિરુદ્ધની ટેસ્ટ સીરિઝ 2-0થી જીતી લીધી
સેન્ચ્યુરિયન: દક્ષિણ આફ્રિકાએ ભારતને સેન્ચ્યુરિયન ટેસ્ટમાં હરાવીને ભારત વિરુદ્ધની ટેસ્ટ સીરિઝ 2-0થી જીતી લીધી. હવે સીરિઝમાં એકમાત્ર જોહાનિસબર્ગની મેચ બાકી છે. ભારતીય બેટ્સમેનોએ પહેલી બંને મેચોમાં ખુબ જ ખરાબ પ્રદર્શનના કારણે આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ દક્ષિણ આફ્રિકી બોલરોને પણ તેમના જોરદાર પરફોર્મન્સના કારણે તેનો શ્રેય મળી રહ્યો છે. આફ્રિકી ટીમે મેચમાં એક ભૂલ કરી નાખી જેના કારણે ટીમને દંડ ફટકારવામાં આવ્યો.
વાત જાણે એમ હતી કે દક્ષિણી આફ્રિકન ટીમને સેન્ચ્યુરિયન ટેસ્ટમાં નિર્ધારિત ઓવરરેટથી ઓછી ઓવરો ફેંકવા બદલ દોષિત ગણવામાં આવી અને ટીમને દંડ ભોગવવો પડ્યો. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પર મેચમાં ધીમી ઓવરગતિના કારણે બુધવારે મેચ ફીના 40 ટકા દંડ લગાવવામાં આવ્યો. આઈસીસીના મેચ રેફરી ક્રિસ બ્રોડે ડુ પ્લેસિસની ટિમને નિર્ધારિત સમયથી બે ઓવર ઓછી નાખવા બદલ દોષિત ગણાવ્યાં.
આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું કે આઈસીસીની આચારસંહિતાની કલમ 2.5.1 મુજબ ખેલાડી જો ધીમી ઓવરગતિના દોષિત ઠરે તો પ્રત્યેક ઓવર હિસાબે તેમના પર મેચ ફીના 10 ટકા દંડ લગાવવામાં આવે છે જ્યારે તેમના કેપ્ટનને બમણો દંડ ફટકારવામાં આવે છે.
નિવેદન મુજબ આ જ કારણે ડુ પ્લેસિસને 40 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે તેમના ખેલાડીઓ પર 20 ટકા દંડ લગાવવામામાં આવ્યો છે. જો દક્ષિણ આફ્રિકા આગામી 12 મહિનાની અંદર ઓવરગતિ પર આ પ્રકારનો ભંગ ફરીથી કરે તો તેમના કેપ્ટને સસ્પેન્શનનો સામનો કરવો પડશે. ડુ પ્લેસિસે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને સજાને કબુલી લીધી છે. આથી ઔપચારિક સુનાવણીની જરૂર પડી નથી.
ડુપ્લેસિસ પર આ આરોપ મેદાનના એમ્પાયર માઈકલ ગોફ, પોલ રાઈફલ, થર્ડ એમ્પાયર રિચર્ડ કેટલબોરો અને ચોથા એમ્પાયર અલ્લાઉદ્દીન પાલેકરે લગાવ્યાં.