ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો
IND vs SL: એશિયન ગેમ્સ 2023 માં મહિલા ક્રિકેટ ઇવેન્ટની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાની ક્રિકેટ ટીમને 19 રને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.
Asian Games 2023, Women Cricket Team Wins Gold: ભારતીય મહિલા ટીમે એશિયન ગેમ્સ 2023માં મહિલા ક્રિકેટ ઇવેન્ટની ગોલ્ડ મેડલ મેચમાં શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર માત્ર 116 રન જ બનાવી શકી હતી. આ પછી બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે શ્રીલંકાને 20 ઓવરમાં 97 રનના સ્કોર પર રોકીને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. 18 વર્ષની તિતાસ સાધુએ ભારત તરફથી બોલિંગમાં સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
ચમારી અટાપટ્ટુએ ઝડપી શરૂઆત કરી, તિતાસ સાધુએ 3 ઝટકા આપ્યા-
ગોલ્ડ મેડલ મેચમાં 117 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમની ઇનિંગ્સની શરૂઆત કરવા અનુષ્કા સંજીવની કેપ્ટન ચમારી અટાપટ્ટુ સાથે મેદાનમાં આવી હતી. કેપ્ટન અટાપટ્ટુએ ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં 12 રન બનાવીને ટીમને ઝડપી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ભારત માટે ઈનિંગની ત્રીજી ઓવર નાખવા આવેલી 18 વર્ષના ફાસ્ટ બોલર તિતાસ સાધુએ પહેલા જ બોલ પર અનુષ્કા સંજીવનીની વિકેટ લઈને 13ના સ્કોર પર શ્રીલંકાની ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. .
તિતાસ સાધુએ એ જ ઓવરના ચોથા બોલ પર વિશ્મી ગુણારત્નેને શૂન્યના સ્કોર પર આઉટ કરીને શ્રીલંકાને બીજો ઝટકો આપ્યો હતો. એક પછી એક 2 વિકેટ ગુમાવ્યા બાદ શ્રીલંકન ટીમ પર દબાણ વધી ગયું હતું. પોતાની બીજી ઓવરમાં તિતાસે શ્રીલંકાના કેપ્ટન ચમારી અટાપટ્ટુને 12ના અંગત સ્કોર પર પેવેલિયન મોકલીને શ્રીલંકન ટીમને સૌથી મોટો ઝટકો આપ્યો હતો. પ્રથમ 6 ઓવરમાં શ્રીલંકાની ટીમ 3 વિકેટના નુકસાન પર માત્ર 28 રન જ બનાવી શકી હતી. આખરે 97 રનમાં ઓલઆઉટ થતાં ભારતે ગોલ્ડ મેળવ્યો હતો.