Sunil Chhetri ને એક સમયે કોચે કેમ કહ્યો હતો નાલાયક? જાણો પછી એજ ખેલાડી કઈ રીતે બની ગયો ભારતનો રોનાલ્ડો
સુનિલ છેત્રી ભારત માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. પરંતુ શું તમને ખબર છે કે, એકવાર સુનિલ છેત્રીને તેમના કોચે કહી દીધું હતું કે, તે ટીમમાં રહેવાને લાયક નથી.
નવી દિલ્લીઃ ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીનો આજે જન્મદિવસ છે. 3 ઓગસ્ટ, 1984ના તેલંગાણામાં જન્મેલા છેત્રી આજે 38 વર્ષના થઈ ગયા છે. જેમણે પોતાની તેજસ્વી કરિયરમાં અનેક નવા મુકામો હાંસિલ કર્યા છે. સુનિલ છેત્રી ભારત માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. પરંતુ શું તમને ખબર છે કે, એકવાર સુનિલ છેત્રીને તેમના કોચે કહી દીધું હતું કે, તે ટીમમાં રહેવાને લાયક નથી?
...જ્યારે ક્ષમતા પર ઉઠ્યા હતા સવાલ-
સુનિલ જ્યારે વર્ષ 2012માં પોર્ટુગલની ક્લબ સ્પોર્ટિંગ લિસ્બન સાથે જોડાયેલા હતા ત્યારે ટીમના હેડ કોચે તેમની બેઈજ્જતી કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં છેત્રીએ એ વાતને યાદ કરતા કહ્યું કે, તેમની ક્ષમતા પર સવાલ ઉઠાવતા તેમને એ ટીમમાંથી બે ટીમમાં મોકલવાનું કહ્યું હતું. તેમને નવમાંથી પાંચ જ મેચમાં રમાડવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં તેઓ ભારત પાછા આવી ગયા હતા.
છેત્રીના નામે અનેક રેકોર્ડ્સ-
સુનિલ છેત્રીના નામે અનેક રેકોર્ડ્સ છે. ભારત માટે 50 ગોલ ફટકારનાર છેત્રી પહેલા ખેલાડી છે. સાથે જ છ વાર ઑલ ઈન્ડિયા ફેડરેશનનો પ્લેયર ઑફ ધ યરનો ખિતાબ જીતી ચુક્યા છે. સાથે જ તેમણે પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં 118 મેચમાં 74 ગોલ કર્યા છે. તેમની પ્રતિ મેચ ગોલની એવરેજ 0.63 છે. જે રોનાલ્ડો અને મેસીથી પણ સારી છે. ઈન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ ગોલ મારવાના મામલે સુનિલ છેત્રી વિશ્વમાં ત્રીજા નંબર પર છે.
બનવા માંગતા હતા ક્રિકેટર-
સુનિલ છેત્રી વિશે એક કિસ્સો ખુબ જ જાણીતો છે. સુનીલ નાના હતા ત્યારે તેંડુલકરને આદર્શ માનતા અને તેમની જેમ ક્રિકેટર બનવા માંગતા હતા. અને ક્રિકેટ કિટ ખરીદવા માટે ઘરેથી પૈસા પણ ચોકતા હતા. એકવાર માતાએ તેમની ચોરી પકડી લેતા તેમને ક્રિકેટ છોડીને ફૂટબોલ રમવાનું શરૂ કર્યું અને પછી જે થયું તે ઈતિહાસ છે.